- નડિયાદ સેશન્સ કોર્ટનો ચુકાદો
- આરોપી 30 દિવસમાં દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ
નડિયાદ : ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સોજિત્રા શાખાના એક બાકીદારને ચેક રિટર્ન થવાના કેસમાં નડીઆદની કોર્ટે આરોપીને ૬ માસની સાદી કેદ અને ચેકની રકમ મુજબના દંડનો હુકમ કર્યો છે. તેમજ જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
સોજિત્રા તાલુકાના મલાતજ ગામના રહેવાસી ચીમનભાઈ કલ્યાણસિંહ મહીડાએ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સોજિત્રા શાખામાંથી ધિરાણ લીધું હતું. આ ધિરાણની બાકી પડતી રકમની ચૂકવણી કરવા માટે તેમણે બેંકને રૂ. ૧,૫૩,૩૯૮નો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં રજૂ કરતા તેમના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય ચેક પરત ફર્યોે હતો. બેંક દ્વારા આ મામલે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચીમનભાઈ વિરુદ્ધ નડિઆદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી નડિયાદના નવમાં અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી ચીમનભાઈ મહીડાને ૬ માસની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ. ૧,૫૩,૩૯૮ દંડ પેટે જમા કરાવવાનો હુકમ કર્યો હતો અને જો આરોપી ૩૦ દિવસમાં દંડની રકમ ન ભરે, તો વધુ ૧ માસની સાદી કેદની સજા ભોગવવી પડશે. આમ બેંકના લેણાં ન ચૂકવનારા તત્વો સામે કોર્ટના આ કડક વલણને પગલે સમગ્ર પંથકમાં અને બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


