Gujarat

કરમસદ-આણંદ મનપા દ્વારા માર્ચના પ્રથમ રવિવારે 2.48 લાખ બાકી વેરાની વસૂલાત

By GS TEAM
3 Mar 20261 min read
કરમસદ-આણંદ મનપા દ્વારા માર્ચના પ્રથમ રવિવારે 2.48 લાખ બાકી વેરાની વસૂલાત

- જાહેર રજાના દિવસે પણ વેરો ભરી શકાશે

- માર્ચ મહિનામાં તમામ રવિવાર અને જાહેર રજાના દિવસે પણ ટેક્સ વિભાગની કચેરીઓ કાર્યરત રહેશે

આણંદ : નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ વેરા વસૂલાતની પ્રક્રિયાને વેગ આપવા માટે વિશેષ સુવિધા ઉભી કરી છે. મનપા કમિશનરની સૂચના મુજબ, માર્ચ મહિનામાં તમામ રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ ટેક્સ વિભાગની કચેરીઓ કાર્યરત રહેશે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલી મનપાની તમામ કચેરીઓ માર્ચ માસ દરમિયાન રવિવારની જાહેર રજા સહિત જાહેર રજાના દિવસો દરમિયાન ટેક્સ વિભાગ સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૧૬-૦૦ કલાક દરમિયાન ખુલ્લી રાખીને નગરજનો બાકી વેરો ભરી શકે તેવી સવલત કરાવવામાં આવી છે. 

મહાનગરપાલિકા વિસ્તારના નગરજનો દ્વારા આ સવલતનો લાભ મેળવીને માર્ચ માસના પ્રથમ રવિવારના રોજ બાકી પડતો વેરો ભરપાઈ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂપિયા ૨.૪૮ લાખની વસૂલાત કરવામાં આવી છે. કરમસદ-આણંદ મનપામાં સમાવિષ્ટ તમામ વિસ્તાર આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરી, ગામડી, જીટોડીયા અને લાંભવેલ વિસ્તારોમાં મિલકતો ધરાવતા નગરજનો તા. ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ નાણાકીય વર્ષ પૂરું થતું હોય બાકી વેરો ભરી શકે તે માટે માર્ચ મહિના દરમિયાન દરેક રવિવાર સહિત જાહેર રજાના દિવસોએ સવારે ૧૧ઃ૦૦થી બપોર બાદ ૧૬ઃ૦૦ કલાક સુધી તમામ કચેરીઓ ખાતે વેરા વિભાગની શાખા ખુલ્લી રહેશે જેમાં બાકી વેરો ભરપાઈ કરવા જણાવવામાં આવ્યું છે.