Get The App

બાવળાના કલ્યાણગઢ તળાવ 'ઝેરી' બન્યું, અનેક માછલીઓના મોત

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
બાવળાના કલ્યાણગઢ તળાવ 'ઝેરી' બન્યું, અનેક માછલીઓના મોત 1 - image

- અમદાવાદ ગ્રામ્યમાં એક માસમાં ત્રીજી ઘટના

- ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાયાનો ગ્રામજનોનો આક્ષેપ : પુરાવા નાશ કરવા માટે માછલીઓને દફનાવવામાં આવી

બગોદરા : બાવળા તાલુકાના કલ્યાણગઢ હાઈવે પર આવેલ એક તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખાનગી કંપનીના માણસો દ્વારા મૃત માછલીઓને જેસીબી કે અન્ય સાધનો વડે ખાડો ખોદીને દફનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપની દ્વારા છોડવામાં આવેલા કેમિકલયુક્ત ઝેરી પાણીના કારણે જ આ માછલીઓના મોત થયા છે અને હવે પુરાવા નાશ કરવા માટે માછલીઓને દફનાવવામાં આવી રહી છે.

નોંધનીય છે કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં માછલીઓના મોતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ મટોડા ગામનું તળાવ, રામનગરનું તળાવ અને હવે કલ્યાણગઢ હાઈવે પરનું તળાવમાં આવી ઘટના બની છે. સતત બની રહેલી આ ઘટનાઓથી પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાની લાગણી જન્મી છે. ગ્રામજનોએ આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલમાં તો તળાવમાં ફેલાયેલી દુર્ગંધ અને પ્રદૂષણને કારણે લોકોનું જીવવું દુષ્કર બન્યું છે ત્યારે તંત્ર આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે તે જોવાનું રહ્યું.

અધિકારીનું શું કહેવું છે

આ બાબતે અમદાવાદ ગ્રામ્ય જીપીસીબીના મહિલા અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે,'અગાઉ મટોડા અને રામનગરમાં બનેલી ઘટનાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે, પરંતુ હજુ તેનું ચોક્કસ પરિણામ આવ્યું નથી. કલ્યાણગઢની ઘટના અંગે પણ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ તાપમાનમાં વધઘટના કારણે ઓક્સિજન ઘટતા મોત થઈ શકે છે, પરંતુ સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.'