Get The App

વડોદરાના સરકારી વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજોને ધમકી : સાયબર ક્રાઈમમાં તપાસની માંગ

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના સરકારી વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજોને ધમકી : સાયબર ક્રાઈમમાં તપાસની માંગ 1 - image

Vadodara : વડોદરાની અદાલતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક અજાણ્યા વ્યક્તિએ વકીલ ભાવિન પી.વ્યાસના નામે ફેક ઈમેઈલ આઈડી બનાવી બે જજને ધમકીભર્યા ઈમેઈલ મોકલ્યા હોવાનું બહાર આવ્યું છે. 

મળતી માહિતી મુજબ, 20મી તારીખે કોર્ટના સત્તાવાર ઈમેઈલ પર અદાલતના એક જજ સુધરી જાય જેવા ઉશ્કેરણીજનક સબ્જેક્ટ સાથે ઈમેઈલ મોકલાયો હતો. તેમાં જજને ચેતવણી આપવામાં આવી હતી કે જો વકીલોનો અપમાન કે ન્યાયિક શિષ્ટાચારનો ભંગ થશે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. સાથે જ 15મી તારીખે થયેલા શરમજનક કૃત્ય બદલ જાહેર માફી માગવાની માંગ કરવામાં આવી હતી અને રાજ્યવ્યાપી હડતાળનું એલાન કરવા પણ ઉશ્કેરણી કરવામાં આવી હતી.

 ઈ-મેઈલમાં બીજા જજને નિશાન બનાવતા લખાયું હતું કે તેઓ પોતે જ ચુકાદા લખે અને કોઈ સ્ટેનો કે અન્યના સહારે ઘોસ્ટ રાઇટિંગ ન કરાવે. આ સાથે હાઈકોર્ટમાં રિટ કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. 

આ સમગ્ર મામલે વકીલ ભાવિન વ્યાસે સ્પષ્ટતા કરી છે કે આ ઈમેઈલ સાથે તેમનો કોઈ લેવાદેવા નથી. કોઈએ તેમના નામનો દુરુપયોગ કરીને ફેક આઈડી બનાવી છે. તેમણે કોર્ટના રજિસ્ટ્રાર સાથે મળીને ડિસ્ટ્રીક્ટ જજ વી.કે.પાઠકને રૂબરૂ રજૂઆત કરી છે અને સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી દોષિતને શોધવાની માંગ કરી છે.

 ગુજરાત બાર કાઉન્સિલની સભ્ય નિમિષા ધોત્રે પટેલે પણ આ ઘટનાને ગંભીર ગણાવી છે. તેમણે કહ્યું કે, આવા ઈમેઈલ દ્વારા માત્ર જજોને જ નહીં પરંતુ સમગ્ર વકીલ મંડળને બદનામ કરવાનો પ્રયાસ થયો છે. ભાવિન વ્યાસ લાંબા સમયથી ઓળખીતા છે, તેઓ આવું કરે નહીં. જો કર્યું હોત તો તેઓ જાતે આગળ આવી તપાસની માંગ ન કરતા, એમ તેમણે ઉમેર્યું.