ગુજરાતમાં દારૂ-ડ્રગ્સનું રાજકારણ ગરમાયુંઃ મેવાણીએ હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું, જનતા રેડની ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jignesh Mevani News: ગુજરાતના વિવિધ જિલ્લા-તાલુકામાં દારૂ, ડ્રગ્સ, જુગાર અને કુટણખાનાના વેપારના વિવાદે હવે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણીએ ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહારો કરીને રાજીનામાની માંગ કરી છે. એટલું જ નહીં, જિજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂપકિદી સામે પણ સવાલ ઉઠાવ્યા છે.
આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ 33 જિલ્લામાં જિલ્લામાં અને 250થી વધારે તાલુકામાં જાણે કાયદો અને બંધારણના ધજાગરા ઉડતા હોય એમ દારૂ-જુગારના અડ્ડા, ડ્રગ્સનો વેપલો અને કુટણખાના પણ ચાલી રહ્યા છે. રાજ્ય સરકાર અને પોલીસની રહેમ નજર વિના આ બધું શક્ય નથી. હું નથી માનતો કે ડ્રગ્સનો સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર જાહેર કરાઈ રહ્યો છે. ગુજરાતના દરિયા કાંઠા પરથી અંદાજિત રૂ. 64 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. કોણ છે ગુજરાતનો એક બદમાશ મંત્રી જે ગુજરાતની યુવા પેઢીની નસોમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યો છે. જે મંત્રી દારૂ-જુગારના અડ્ડા, ડ્રગ્સના કારોબાર અને કૂટણખાનામાંથી કમાય છે તે ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય.
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરતા મેવાણીએ કહ્યું કે ‘નથિંગ લેસ ધેન ધેટ. આઠ ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તાના કોઈ સ્થાન ઉપર રહેવાનો અધિકાર નથી'. આ ઉપરાંત તેમણે આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂપકિદી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. મેવાણીએ સવાલ કર્યો હતો કે, ‘આ વિશે મુખ્યમંત્રીને કંઈ કહેવાનું થતું નથી કે પછી તેમને મજા પડી રહી છે. તેમના પેટનું પાણી કેમ નથી હલતું જ્યારે તેમના જ વિધાનસભા ક્ષેત્રમાં દારૂના કારણે બહેન-દીકરીઓ વિધવા થઈ રહી છે.’
આ વિશે વધુ વાત કરતા મેવાણીએ કહ્યું કે, ‘રાજ્યમાં અનેક સ્કૂલ-કોલેજો બહાર, હોસ્ટેલો અને યુનિવર્સિટીઓ બહાર છડે ચોક ડ્રગ્સ મળી રહ્યું છે. એટલે મુખ્યમંત્રી એક બ્લુપ્રિન્ટ તૈયાર કરીને યુવા પેઢીને બચાવી લે. જો ગુજરાતના કોઈપણ નાગરિકોને દારૂ, જુગાર, ડ્રગ્સ મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરાશે તો અમે ચલાવી નહીં લઈએ. કોંગ્રેસ ટૂંક સમયમાં હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવાની છે. અમે જનતાને અપીલ કરીએ છીએ કે, તમે પણ કોઈની ચિંતા કર્યા વગર વીડિયો અપલોડ કરો અને કોંગ્રેસના આગેવાનોને ટેગ કરો. આ કેવળ કોંગ્રેસનું નહીં, પરંતુ ગુજરાતની જનતાનું અભિયાન છે. આ મુદ્દાને લઈને અમે જનતા રેડ પણ કરીશું.’
આ પહેલા જિજ્ઞેશ મેવાણીએ બનાસકાંઠાના થરાદમાં એક જનાક્રોશ રેલીમાં પુરુષોને દારૂ-ડ્રગ્સ અને જુગારની કુટેવ છોડવાનું કહ્યું હતું. મેવાણીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રાજ્યના ડીજી, ગૃહ સચિવ અને મુખ્યમંત્રીને પડકાર ફેંક્યો હતો કે, ‘આદરણીય હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ-જુગારના અડ્ડા બંધ કરીને બતાવે.’ આ દરમિયાન મેવાણીએ પોલીસને સંબોધન કરતા કહ્યું હતું કે, ‘તમારા પટ્ટા ઉતરી જશે, યાદ રાખજો.’ આ દરમિયાન મેવાણીએ મંદિરોની આસપાસ પણ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાની પોલીસ અને સરકારને અપીલ કરી હતી.
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એક કાર્યક્રમમાં મેવાણીની ભાષાનો મુદ્દો ઉઠાવીને સંસ્કારની વાત કરી હતી. ત્યાર પછી રાજ્યના ડીજીએ પણ એક પોલીસ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે આડકતરી રીતે મેવાણી જેવા નેતાઓના નિવેદન સહન નહીં કરવાનું કહ્યું હતું.
એટલું જ નહીં, આ અંગે પોલીસ અને પોલીસ પરિવારોએ જિજ્ઞેશ મેવાણીના ‘પટ્ટા ઉતરી જશે’ જેવા શબ્દોનો વિરોધ કર્યો હતો. ત્યારે મેવાણીએ ફરી એક વીડિયો મૂકીને પોલીસ પરિવારોને અપીલ કરી હતી કે, તમે કોઈના રાજકીય હાથા ના બનો. આ દરમિયાન અમરેલીમાં દલિતોએ જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં એક રેલી કાઢી હતી. આમ, આ સમગ્ર મુદ્દાથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.








