Get The App

જામનગરના દારૂના બે કેસમાં સંડોવાયેલા 25 હજારના ઇનામી આરોપીને જામનગર પોલીસે સાંચોરથી ઝડપી પાડ્યો

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના દારૂના બે કેસમાં સંડોવાયેલા 25 હજારના ઇનામી આરોપીને જામનગર પોલીસે સાંચોરથી ઝડપી પાડ્યો 1 - image

Jamnagar Police : જામનગર જિલ્લામાં પ્રોહિબિશનના બે અલગ અલગ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા અને રૂ.25,000ના ઇનામી આરોપી રાજુરામ હરીરામ સીયાગ બિશ્નોઇને જામનગર પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ તથા એલ.સી.બી. શાખાની ટીમે સંયુક્ત કામગીરી કરીને રાજસ્થાનના સાંચોરથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે.

 આ આરોપી સામે પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અધિનિયમ હેઠળના બે ગુનાઓ નોંધાયેલા હતા, અને તે લાંબા સમયથી ફરાર હતો. રાજ્ય મોનીટરીંગ સેલ દ્વારા તેના પર રૂ.25 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

 પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે આરોપી રાજસ્થાનમાં સાંચોર પોલીસ સ્ટેશનના એક ગુનામાં જેલમાં હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ ટ્રાન્સફર વોરંટ મેળવી જામનગર એલ.સી.બી. અને પંચકોશી ‘એ’ ડિવિઝનની ટીમ સાંચોર પહોંચી હતી. પરંતુ ત્યાં પહોંચતા આરોપી જામીન પર મુક્ત થઈ ચૂક્યો હોવાની જાણ થઈ હતી.

 પોલીસે સતર્કતા દાખવી સાંચોર સબ જેલ બહાર નજર રાખી અને યોગ્ય તક મળતા જ આરોપી રાજુરામ સીયાગ બિશ્નોઇને ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી. બાદમાં સાંચોર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની નોંધ કરીને આરોપીને જામનગર લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 આ સમગ્ર કાર્યવાહી રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય, જામનગર એસ.પી. ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક પીયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.ઇન્સ. વી.બી. ચોધરી અને પંચકોશી ‘એ’ ડિવિઝનના પો.ઇન્સ. એમ.એન. શેખના નેતૃત્વમાં ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.