Jamnagar News: જામનગર શહેરમાં મોડી રાત્રે બેફામ ડ્રાઇવિંગ અને ચિચિયારીઓ પાડી ભયનું વાતાવરણ ફેલાવતી ટોળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ જામનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે કુલ 24 શખસોની ઓળખ કરી તેઓને પોલીસ મથકે લાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના?
જામનગરના પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ અને હવાઈ ચોક જેવા વિસ્તારોમાં ટુ-વ્હીલર પર સવાર કેટલાક શખસોએ મર્યાદા ઓળંગી હતી. આ ટોળકી બેફામ ગતિએ વાહનો હંકારી સ્પીડ બ્રેકર પર જોખમી સ્ટંટ કરી રહી હતી. જોરજોરથી ચિચિયારીઓ પાડી સ્થાનિક રહીશોની ઊંઘ હરામ કરી હતી. આ સમગ્ર કરતૂતનો વીડિયો વાઈરલ થતા શહેરીજનોમાં રોષ અને ભય જોવા મળ્યો હતો. વીડિયો વાઈરલ થતા જ જામનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ)ની ટીમ હરકતમાં આવી હતી. PSI બી.બી. સિંગલ અને તેમની ટીમે બેડીગેઇટથી હવાઈ ચોક સુધીના કેમેરા ચેક કરી વાહનોના નંબર મેળવ્યા હતા. આ વિગતો સીટી એ. ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી. PI એન. એ. ચાવડા અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ તમામ શખસોને શોધી કાઢ્યા હતા.
પોલીસે બેફામ ગતીએ વાહન ચલાવનારા રિયાઝ ગંઢાર, મોઇન સમા, નાસીર કકલ, જાકિર ગજીયા, આફતાબ સુમરાઝ, રિયાઝ સમા, શહેજાદ સુધાધૂનિયા, ઝાકીર સંઘાર, નવાજ જામ અને સમીર સંઘાર નામના વાહન ચાલકો તેમજ ત્રણ કાયદાથી સંકર્ષિત કિશોરોને શોધી કાઢી પોલીસ મથકે બોલાવી લીધા હતા. આ ઉપરાંત બાઈકચાલકની પાછળ બેઠેલા શાહનવાજ ચમડિયા, મીરા સીફાન ઇરફાન, શબ્બીર સન્ના, નવાજ ચૌહાણ, મોઈન ચમડિયા, સબીર જખરા, સમીર કક્કલ, આરબ તેમજ આલ્ફાજ ખફીને પોલીસ મથકે બોલાવી લીધા હતા, તેઓને તમામને ફરી આવું નહીં કરવા સમજ આપી હતી. જે તમામે આવું કૃત્ય નહીં કરવા કબુલાત પણ આપી હતી,
જામનગર પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે શહેરની શાંતિ ડહોળવાનો કે ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.


