Gujarat

વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી

By GS Team
5 Oct 20252 mins read
This article was originally published on 5 Oct 2025
વડોદરામાં કારના શો રૂમના જામનગરના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી

કસ્ટમરના રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા : કંપનીની જાણ બહાર એસેસરિઝ આપી ઠગાઈ

વડોદરા/ જામનગર :  વડોદરામાં ફોર  વ્હિલર કારના શો રૂમના સેલ્સ કન્સલ્ટન્ટે કંપનીની ખોટી પાવતીઓ આપી કસ્ટમર પાસેથી રૂપિયા પોતાના એકાઉન્ટમાં લઇ તેમજ એસેસરિઝ વેચી દઇ 10.04 લાખની છેતરપિંડી કરી હતી. જે અંગે વડોદરાના મકરપુરા  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

સમા સાવલી રોડ સિદ્ધાર્થ સૌમ્ય બંગ્લોઝમાં રહેતા વિપુલભાઇ કિરીટભાઇ શાહ માણેજા ક્રોસિંગ પાસે આવેલ શિવાંશુ  મોટર્સ એલ.એમ.પી. કંપનીમાં મેનેજર છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  જયદીપ બાબુલાલ પરમાર (રહે. સાધના કોલોની, રણજીત સાગર રોડ, ડાંગરવાડા, જામનગર) અમારા  શો રૂમમાં છેલ્લા 4 વર્ષથી સેલ્સ કન્સલ્ટન્ટ તરીકે સી.એસ.ડી. ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. અમારા કસ્ટમર ચિરાગભાઇએ અમારા શો રૂમ ખાતે જયદીપ પરમાર પાસે ક્રેટા કાર બુક કરાવી હતી.જેના ડાઉન  પેમેન્ટ  તરીકે ૬.૨૫ લાખ જયદીપને  રોકડા આપ્યા હતા. અમારા શો રૂમમાં રોકડા 1.99  જ લેવામાં આવે છે. પરંતુ, જયદીપે 6.25 લાખ રોકડા લીધા હોવાનું લખાણ ખોટી રીતે આપ્યું હતું.

બીજા કસ્ટમર પ્રિયલે બુક કરાવેલી ક્રેટા કારના બુકિંગ પેટે 31,000 જયદીપે પોતાના એકાઉન્ટમાં લીધા હતા. જેની પાવતી  શોરૂમની આપી હતી. ત્રીજા કસ્ટમર અદિતીએ બુક કરાવેલી ગાડીનું ડાઉન પેમેન્ટ ૧.૦૮ લાખ પણ  જયદીપે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર લીધા હતા.  જેની પાવતી આપી નહતી. આ ઉપરાંત જયદીપે કંપની પાસેથી અંગત કામ માટે જરૂરિયાત  હોવાનું કહી દોઢ લાખ  ટ્રાન્સફર લીધા હતા. તે રૂપિયા પણ પરત  આપ્યા નહતા.તેમજ કંપનીની જાણ બહાર અલગ - અલગ ગ્રાહકોને 90,000ની એસેસરિઝ આપી દીધી હતી.