જામનગર જિલ્લા કક્ષાના 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોરોનાની ગાઈડલાઈન ને અનુલક્ષીને 150 વ્યક્તિ સાથે થશે

- રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા ધ્વજવંદન કરી સલામી ઝીલશે: મહાનગરપાલિકા દ્વારા પણ મર્યાદિત સંખ્યામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે
જામનગર, તા. 21 જાન્યુઆરી 2022 શુક્રવાર
જામનગર જિલ્લાના 72 માં સ્વાતંત્ર પર્વની ઉજવણીને કોરોનાની ગાઈડલાઈન અનુસરીને ઉજવાનું નક્કી કરાયું છે, અને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 150લોકોની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. જયારે સંસ્કૃતિક કાર્યક્રમ મોકૂફ રખાયો છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં પણ મર્યાદિત સંખ્યામાં ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરાશે.
73 મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ ક્વાર્ટર, જામનગર માં બુધવાર, તા. 26 મી જાન્યુઆરી ના રોજ સવારે 9.00 કલાકે કરવામાં આવશે. આ અવસરે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા ધ્વજવંદન કરાવી સલામી ઝીલશે.
ધ્વજવંદન બાદ મંત્રીશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાશે, ત્યાર બાદ કોરોના વોરિયર્સને વેકસીનનો પ્રિકોશન ડોઝ અપાશે, અને કાર્યક્ર્મના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ વગેરે જેવાં કાર્યક્રમો રાષ્ટ્રભક્તિના વાતાવરણમાં યોજવામાં આવશે. અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ મોકૂફ રખાયા છે. અને મર્યાદિત સંખ્યામાં કાર્યક્રમ યોજાશે.
તેજ રીતે જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ સ્વતંત્ર પર્વની ઉજવણી મર્યાદિત સંખ્યામાં જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં જ કરવામાં આવશે. જ્યાં પણ કોરોનાની ગાઇડ લાઇનને અનુલક્ષીને મર્યાદિત સંખ્યામાં કાર્યક્રમ યોજાશે.




