જામનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગના 7મા માળેથી પટકાતા બિલ્ડરના પુત્રનું મોત, પગ લપસતા બની ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lalwadi Jamnagar Construction Accident: જામનગરના જાણીતા બિલ્ડર પરિવારમાં એક અત્યંત કરુણ ઘટના બની છે. શહેરના લાલવાડી વિસ્તારમાં ત્રિ-મંદીર પાસે ચાલી રહેલા એક નવી ઇમારતના બાંધકામ દરમિયાન અકસ્માતે નીચે પટકાતા યુવાન બિલ્ડરનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક બિલ્ડર એસોસિએશન અને લોહાણા સમાજમાં ભારે છે.
જામનગર: નિર્માણાધીન ઇમારતના સાતમા માળેથી પટકાતા યુવાનનું મોત
મળતી વિગત મુજબ, જામનગરના અગ્રણી બિલ્ડર નિલેશભાઈ દત્તાણીના 28 વર્ષીય પુત્ર ભવ્ય દત્તાણી ગઈકાલે રાત્રે લાલવાડી વિસ્તારમાં પોતાની સાઈટ પર ચાલી રહેલા કામનું નિરીક્ષણ કરવા ગયા હતા. ઇમારતના સાતમા માળે કામકાજ જોઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક તેમનો પગ લપસ્યો હતો અને તેઓ સીધા નીચે પટકાયા હતા. આ અકસ્માતને કારણે ત્યાં કામ કરતા શ્રમિકો અને આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
જામનગરના લોહાણા સમાજ અને બિલ્ડરોમાં ભારે અરેરાટી
ગંભીર રીતે ઘવાયેલા ભવ્ય દત્તાણીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા હોસ્પિટલ ખાતે પરિવારજનો, બિલ્ડર અગ્રણીઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે ત્યાં અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં સીટી બી. ડિવિઝન પોલીસની ટીમે આ અકસ્માત મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.








