Get The App

જામનગર ભાજપમાં 'જૂના જોગીઓ'ની અવગણનાથી 'અમે વખારમાં'ની ટીખળ

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર ભાજપમાં 'જૂના જોગીઓ'ની અવગણનાથી 'અમે વખારમાં'ની ટીખળ 1 - image

ટિકિટ ફાળવણીમાં અસંતોષની આગના લબકારા યથાવત : 'અમે મહેનત કરી અને અમને જ વખારમાં મૂકી દીધા!'નું કાર્યકરોનું દર્દ છલકાયું : મતદાન પર અસરની સંભાવના

જામનગર, : જામનગર મહાપાલિકાની ચૂંટણી પૂર્વે શહેરના રાજકીય ફલક પર એક નવો શબ્દ ગુંજી રહ્યો છે - 'વખાર'. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં જે રીતે ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે, તેણે સંગઠનના પાયાના કાર્યકરોમાં કચવાટ અને રાજકીય વિશ્લેષકોમાં આશ્ચર્ય પેદા કર્યું છે. 'અમે મહેનત કરી અને અમને જ વખારમાં મૂકી દીધા!' એવી ભાજ૫ કાર્યકરોની હૈયાવરાળે ગાંધીનગર સુધી ગરમા-ગરમી સર્જી છે. જેથી છેલ્લી ઘડીએ પણ અસંતોષની આગ ઠારવાનાં પ્રયાસ થતાં જોવા મળ્યા છે.

જામનગર ભાજપમાં વર્ષોથી લોહી-પરસેવો એક કરનારા વરિષ્ઠ કાર્યકરો માટે આ વખતની ટિકિટ ફાળવણી આઘાતજનક રહી છે. પક્ષે 'નો-રિપીટ થિયરી'ને એટલી સખ્ત રીતે અમલમાં મૂકી છે કે ઘણા દિગ્ગજ ચહેરાઓને પડતા મૂકવામાં આવ્યા છે. કાર્યકરોમાં એવી રમૂજ અને કટાક્ષ વહેતો થયો છે કે, જેમ નકામી વસ્તુઓને વખારમાં મૂકી દેવાય, તેમ વર્ષોની સેવા આપનારાઓને રાજકીય રીતે વખારમાં ધકેલી દેવાયા છે. સંગઠન પ્રત્યેની વફાદારી સામે નવા ચહેરાઓની પસંદગી થતાં પાયાના કાર્યકરોમાં એવી લાગણી જન્મી છે કે પક્ષ હવે માત્ર નવા લોહી પર જ નિર્ભર રહેવા માંગે છે, જે અનુભવી કાર્યકરો માટે અપમાનજનક સ્થિતિ છે.

ભાજપમાં આ વખતની ટિકિટ ફાળવણીના આંકડા ભાજપની રણનીતિની આક્રમકતા દર્શાવે છે. ગત ટર્મના 50 ઉમેદવારોમાંથી 36 ને ટિકિટ આપવામાં આવી નથી. 16 હારેલા ઉમેદવારોને ફરી તક આપવાનું પક્ષે ટાળ્યું છે. સંગઠન કે સરકારમાં હોદ્દો ધરાવતા લોકોના સગાઓને પણ દૂર રાખીને પક્ષે કડક સંદેશો આપ્યો છે. આટલી મોટી સંખ્યામાં ફેરફારોને કારણે 500થી વધુ દાવેદારોમાંથી જેમને ટિકિટ નથી મળી, તેઓ હાલ પ્રચાર પ્રક્રિયાથી અલિપ્ત જોવા મળી રહ્યા છે. હાલ ભાજપ આ રણનીતિને જનરેશન શિફ્ટ ગણાવી રહ્યો છે. નવા અને યુવા ચહેરાઓને લાવવાનો ઉદ્દેશ્ય સત્તા વિરોધી લહેરને ખાળવાનો છે. પરંતુ, પાયાના કાર્યકરો જે બૂથ લેવલનું મેનેજમેન્ટ સંભાળે છે, તેમની અવગણના પક્ષને જમીની સ્તરે નબળો પાડી શકે છે.