Get The App

જામનગરમાં ચાર માસના ગલુડિયા પર લાકડી વડે હુમલો, ઘટના CCTVમાં કેદ, વીડિયો વાઈરલ થતાં પશુપ્રેમીઓમાં રોષ

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં ચાર માસના ગલુડિયા પર લાકડી વડે હુમલો, ઘટના CCTVમાં કેદ, વીડિયો વાઈરલ થતાં પશુપ્રેમીઓમાં રોષ 1 - image


Jamnagar News: જામનગર શહેરમાં પશુઓ પ્રત્યે ક્રૂરતાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના સરુ સેકન્ડ રોડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની પાછળના ભાગમાં અજાણ્યા શખસ દ્વારા માત્ર ચાર માસના ગલૂડિયાને લાકડાના ધોકાથી નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પશુપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.

જામનગરમાં ચાર માસના ગલુડિયા પર લાકડી વડે હુમલો

પ્રાપ્ત વિગતો મુજબ, એક શખસે પોતાના હાથમાં લાકડાનો ધોકો લઈને નાનકડા ગલૂડિયા પર બેરહેમીથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના આસપાસના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં ગલૂડિયાને માર મારવામાં આવતો હોવાના દ્રશ્યો જોવા મળે છે. વીડિયોમાં અન્ય શ્વાન પણ ભયભીત થઈને ભાગતા જોવા મળે છે. ઘટનાને કારણે વિસ્તારમાં રહેતા પશુપ્રેમીઓ અને ડોગ લવર્સમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ લોકો દ્વારા આ કૃત્યની આકરી નિંદા કરવામાં આવી રહી છે અને જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

જામનગરમાં પશુઓ પ્રત્યે ક્રૂરતાનો ત્રીજી કિસ્સો 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયગાળામાં જામનગરમાં પશુઓ પ્રત્યે ક્રૂરતાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. પશુપ્રેમીઓના જણાવ્યા મુજબ, ટૂંકા ગાળામાં પશુઓ પર અત્યાચારનો આ ત્રીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે શહેરમાં પશુ સુરક્ષા અંગે ચિંતા વધી છે.

પશુપ્રેમી સંગઠનો અને સ્થાનિક રહીશોએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પશુ ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધવાની માગ કરી છે. પશુપ્રેમીઓનું કહેવું છે કે, નિર્દોષ અને અબોલ જીવો પર અત્યાચાર કરનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.