Get The App

જામનગરના કાલાવડ નાકે પૂરપાટ દોડતી કારે બાઈકને અડફેટે લીધું, 5 વર્ષની બાળકીનું મોત, દંપતી ગંભીર

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના કાલાવડ નાકે પૂરપાટ દોડતી કારે બાઈકને અડફેટે લીધું, 5 વર્ષની બાળકીનું મોત, દંપતી ગંભીર 1 - image


Jamnagar Accident: જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવી રહેલી લાલ કલરની કારે બાઈક સવાર પરિવારને હડફેટે લેતા 5 વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે તેના માતા-પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

કેવી રીતે સર્જાયો ગોઝારો અકસ્માત?

મળતી માહિતી અનુસાર, કાલાવડ નાકા બહાર રહેતા ઈસરાઈલ સમા તેમની પત્ની રુકસારબેન અને પાંચ વર્ષની માસૂમ પુત્રી હબિરાને બાઈક પર લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બેફામ ગતિએ આવતી એક કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બાઈકનું પડીકું વળી ગયું હતું અને કારના આગળના ભાગે પણ ભારે નુકસાની થઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદના શ્યામલમાં કોમ્પલેક્ષમાં ભીષણ આગ, ATM સહિતની દુકાનો-વાહનો પણ બળીને રાખ

સારવાર દરમિયાન માસૂમનું મોત, માતા-પિતા લોહીલુહાણ

અકસ્માત થતા જ આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત ત્રણેય સભ્યોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ 5 વર્ષની હબિરાનું અંતરિયાળ મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. બીજી તરફ, ઈસરાઈલભાઈ અને રુકસારબેન હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

પરિવારનો હોસ્પિટલમાં આક્રોશ

પોતાની લાડકવાયી પુત્રી ગુમાવનાર પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ન્યાયની માંગ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં પુત્રીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તેમની સ્પષ્ટ માંગ હતી કે જ્યાં સુધી નશામાં કે બેદરકારીથી ગાડી ચલાવનાર કાર ચાલકને પોલીસ ઝડપી ન લે અને કડક કાર્યવાહી ન કરે ત્યાં સુધી તેઓ અંતિમ વિધિ કરશે નહીં.

પોલીસ કાર્યવાહી અને તપાસ

ઘટનાની ગંભીરતાને જોતા સીટી બી. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે ઉશ્કેરાયેલા પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને કાર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ દ્વારા તપાસ ચલાવી રહી છે.