અમદાવાદ સાબરમતી જેલ વિવાદ: નકલી વકીલ બની આરોપીને મળનાર હરેશ મુલચંદાની અને જવાબદાર જેલ સ્ટાફને છાવરવાનો પ્રયાસ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Sabarmati Central Jail Controversy: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલા વકીલ-કેદી મુલાકાત રૂમમાં ગેરકાયદે પ્રવેશ કરીને હરેશ મુલચંદાની નામના વ્યક્તિએ રાજુ ખેમનાની સાથે કરેલી મુલાકાતનો વિવાદ વધુ વકર્યો છે. આ મામલે કેટલાક વકીલોએ રાણીપ પોલીસ સ્ટેશનમાં અરજી કરીને જવાબદાર જેલ સ્ટાફ અને હરેશ મુલચંદાની વિરૂદ્ધ ગુનો નોંધવા તેમજ 11 જુલાઇના સીસીટીવી સાથે છેડછાડ ન થાય તેવી માંગણી કરી છે.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સૌથી સુરક્ષિત હોવાનો દાવો પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે છે, પરંતુ વિવિધ કારણોસર જેલ તંત્ર સતત વિવાદમાં રહે છે. 11 જુલાઇના રોજ હરેશ મુલચંદાની નામના એક વિવાદાસ્પદ વ્યક્તિએ જેલમાં રહેલા રાજુ ખેમનાની સાથે વકીલ રૂમમાં આવીને મુલાકાત કરી હોવાની ઘટનાએ જેલની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. એટલું જ નહીં, હરેશ મુલચંદાની રાજુ ખેમનાનીના પરિવારને પણ સાથે લાવ્યો હતો. પોલીસ અધિકારીઓને મળેલા સીસીટીવી ફુટેજમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. આમ છતાં, કોઈ કારણસર જેલ વિભાગે જવાબદાર સ્ટાફ, હરેશ મુલચંદાની કે રાજુ ખેમનાની વિરૂદ્ધ કોઈ ગુનો દાખલ ન કરતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.
બીજી તરફ, જેલના વકીલ રૂમમાં ખાનગી વ્યક્તિને આરોપી સાથે મુલાકાત કરાવવાના મામલે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક વકીલે જણાવ્યું કે, વકીલ રૂમમાં કેદીઓ સાથે વાત કરવાના પણ ચોક્કસ પ્રોટોકોલ હોય છે, ત્યારે ક્યા આધારે જેલ સ્ટાફે કોઈ વ્યક્તિ વકીલ ન હોવા છતાં તેને વકીલ રૂમમાં પ્રવેશ આપ્યો તે મોટો પ્રશ્ન છે. આથી વકીલો દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે તપાસ કરવા માટે અરજી આપવામાં આવી છે. જેલ તંત્ર પોતાની ક્ષતિ છુપાવવા માટે 11 જુલાઇના સીસીટીવી ફુટેજ સાથે ચેડાં કરી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ ન હોવાથી, આ ફુટેજ સુરક્ષિત કરવા માટે કાર્યવાહી કરવા પણ અન્ય એક અરજીમાં જણાવવામાં આવ્યું છે.
વકીલ રૂમમાં આવીને કેદી સાથે મુલાકાત કરનાર હરેશ મુલચંદાની ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની કરોડો રૂપિયાના કથિત ક્રિકેટ સટ્ટા બેટિંગ કાંડમાં સંડોવણી હતી, તેમજ તેની સામે મારામારી અને ધમકી આપવાના ગુના પણ નોંધાયેલા છે. ખાસ કરીને હરેશ મુલચંદાની તેની વિરૂદ્ધ અરજી કરનાર વ્યક્તિને પણ ધમકાવતો હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે. તેથી તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થવાની શક્યતા છે.









