Gujarat

આણંદ જિલ્લામાં ગંભીર ગુનામાં સંડોવાયેલા 300 શખ્સોની તપાસ

By GS TEAM
21 Nov 20251 min read
આણંદ જિલ્લામાં ગંભીર ગુનામાં સંડોવાયેલા 300 શખ્સોની તપાસ

રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ સહિતના ગુનાનાં 750 આરોપી નોંધાયા 

નકલી ચલણી નોટો, નાર્કોટિક્સ, આર્મ્સ એક્ટ સહિતના વિવિધ ગુનામાં સંડોવાયેલા આરોપીની કુંડળી કઢાઇ 

આણંદ: આણંદ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ અને ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડાવાયેલા ૭૫૦ આરોપીઓ નોંધાયા છે. જિલ્લાના વિવિધ ડિવિઝનના ૪૦થી વધુ પોલીસ સ્ટેશનમા ૩૦૦થી વધુ શખ્સોની તપાસ કરાઇ છે. ૪૫૦થી વધુ આરોપીઓનું ચેકિંગ અને વેરીફિકેશનની ઝુંબેશ ચાલી રહી છે. 

દિલ્હી બ્લાસ્ટ બાદ રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ અને ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડાવેયેલા આરોપીઓની ૧૦૦ કલાકમાં ચેકિંગ અને વેરીફિકેશન કરવાનો આદેશ સરકારે જિલ્લા પોલીસ વડાને આપ્યા હતા. જે અંતર્ગત આણંદ જિલ્લામાં ૩૦ વર્ષ દરમિયાન નકલી ચલણી નોટો, નાર્કોટિક્સ, આર્મ્સ એક્ટ સહિત રાષ્ટ્ર વિરોધ પ્રવૃતિઓ સંબંધિત ગુનાઓમાં ૭૫૦ આરોપીની નોંધણી પોલીસના રેકોર્ડમાં થઇ છે. જિલ્લાના પોલીસ મથકમાં અત્યાર સુધીમાં ૩૦૦ શખ્સોનું ચેકિંગ અને વેરીફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. 

ગંભીર ગુનામાં નોંધાયેલા આરોપીઓના વેરીફીકેશનમાં મોબાઇલ નંબર, વાહન નંબર, ફેસબુક આઇડી, બેન્ક ડીટેઇલ, ફ્રેન્ડ સર્કલ, ઇન્સ્ટાગ્રામ આઈડી સહિતનો તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં  આવી રહ્યું છે. આ તમામ આરોપીઓ પર પોલીસ ચાપતી નજર રાખી રહી છે. 

આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યુ કે વિવિધ ગુનામાં ૭૫૦ આરોપીઓ નોંધાયા હતા. વેરીફિકેશન દરમિયાન નોંધાયેલા આરોપી પૈકી ૪૯ શખ્સોના મૃત્યુ થયા છે. 

બાકીના આરોપીઓનું વેરીફિક્શન કરવાની કામગીરી ચાલી રહી છે. શુક્રવાર સાંજ સુધી તમામ આરોપીઓનું વેરીફિકેશનની કામગરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.