Jamnagar SHE Team : જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકની મહિલા વિભાગની “સી ટીમ” દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળોએ રોમિયો તત્વો પર નજર રાખવા તેમજ મહિલાઓ અને યુવતીઓ નિરાંતે અવરજવર કરી શકે તે હેતુથી વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સીટી એ. ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત નવ મહિલા પોલીસ કર્મચારીઓની 'સી' ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો હોય જાહેર સ્થળોએ લોકોની અવરજવર અને ભીડનું પ્રમાણ વધ્યું છે. તેવા સ્થળોએ કેટલાક રોમિયો તત્વો વાહનો પર બેસીને રોમિયોગીરી કરતા હોય અથવા મહિલાઓ તથા યુવતીઓની છેડતી કે પજવણી કરતા હોય તેવા તત્વોને શોધી કાઢવા અને અટકાવવા માટે 'સી' ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
આ કામગીરી અંતર્ગત સૌપ્રથમ લાખોટા તળાવની પાળ વિસ્તારમાં સામૂહિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાણીપીણીના જાહેર સ્થળો, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પરિવારો એકત્ર થતા હોય તેવા વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત એસ.ટી. ડેપો, લાલ બંગલા સર્કલ, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ તેની આસપાસના વિસ્તારોમાં પણ મહિલા 'સી' ટીમ દ્વારા કડક દેખરેખ રાખી ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે તેમજ અસામાજિક અને રોમિયો તત્વોમાં કાયદાનો ભય ઉભો થાય તે હેતુથી આગામી દિવસોમાં પણ આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર હોવાનું જણાવાયું છે.


