Gujarat Railway Project 2026 : ગુજરાતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને ક્ષમતા વધારવા માટે ભારતીય રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલ સેક્શન (49 કિલોમીટર)ના ડબલિંગ (બેવડી લાઇન)ના કામને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કચ્છ રેલવે લાઈનનું નેટવર્ક વધુ મજબૂત બનશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM)એ જણાવ્યું કે, 'આ પ્રોજેક્ટ નેટવર્ક ક્ષમતાના વિસ્તરણ માટે સ્વીકૃત કરવામાં આવ્યો છે. વ્યાપારી અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા આ રેલ સેક્શનના ડબલિંગથી કચ્છ ક્ષેત્રમાં રેલ કનેક્ટિવિટી અને ઓપરેશનલ ક્ષમતામાં મોટો વધારો થશે.'
વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ક્ષમતા વિસ્તરણ
ગાંધીધામ-નલિયા કોરિડોર પર આવેલો આદિપુર-ભુજ સેક્શન હાલ સિંગલ રેલ લાઇન ધરાવે છે. આ વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ જેવા કે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન, નલિયા-વાયોર લાઇન વિસ્તરણ વગેરે પૂર્ણ થયા બાદ ટ્રાફિકમાં ભારે વધારો થવાની સંભાવના છે. હાલમાં આ લાઇનનો ઉપયોગ સતત વધી રહ્યો છે, અને વર્ષ 2029-30 સુધીમાં તે 123 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે, જેને પગલે સમયસર આ ક્ષમતા વિસ્તરણ અત્યંત જરૂરી બન્યું હતું.
મુસાફરો અને માલસામાનના પરિવહનને શું થશે ફાયદો?
વધારાની ટ્રેનો: આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી બંને દિશામાં દરરોજ બે વધારાની પેસેન્જર ટ્રેનો ચલાવવી શક્ય બનશે, જેનાથી મુસાફરોને વધુ સારી સુવિધા મળશે.

માલસામાન વહન ક્ષમતા: ડબલ લાઇનના નિર્માણથી દર વર્ષે 12 મિલિયન ટન (MTPA) વધારાનો માલસામાન પરિવહન શક્ય બનશે.
આર્થિક બૂસ્ટર: આ પ્રોજેક્ટથી પશ્ચિમ ગુજરાતમાં લોજિસ્ટિક્સ સિસ્ટમ મજબૂત થશે, અને ઔદ્યોગિક વિસ્તારોને શ્રેષ્ઠ રેલ કનેક્ટિવિટી મળશે, જેનાથી કચ્છના આર્થિક વિકાસને નવી ગતિ મળશે.


