કાલોલ પાલિકામાં ખુરશી ઉછળી! કામ ન થતા અપક્ષ કોર્પોરેટરોએ પ્રમુખ-COની ઓફિસમાં તોડફોડ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kalol Panchmahal News: પંચમહાલના કાલોલ પાલિકાના વોર્ડ નં-4માં લાંબા સમયથી વિકાસના કામોની અવગણના અંગેની રજૂઆત કરવા કચેરીએ જતાં પ્રમુખ અને ચીફ ઓફિસર બંને ગેરહાજર જોવા મળતાં સભ્યોએ ભારે રોષ ઠાલવીને ઓફિસમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. કાલોલ પાલિકાના વોર્ડ નં-4ના ચાર અપક્ષ સભ્યો પૈકીના બે સભ્યો પોતાના વિસ્તારના લોકો સાથે મતવિસ્તારની સમસ્યાઓની રજૂઆત માટે શુક્રવારે(8 મે) સવારે પાલિકા ભવનમાં પહોંચ્યા હતા. ત્યારે પાલિકાના ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર નહીં હોવાને પગલે રોષે ભરાયેલા અપક્ષ સભ્યોએ હાથમાં ખુરશી લઈને પ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસમાં તોડફોડ કરી હતી.
અપક્ષ કોર્પોરેટરોએ પાલિકા કચેરીમાં પ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસમાં તોડફોડ મચાવી
પ્રાપ્ત વિગતો અનુસાર, કાલોલ પાલિકાની સામાન્ય ચૂંટણી પછી પાછલા એક વર્ષમાં ભાજપની સત્તામાં વહીવટ સંભાળતા વહીવટદારોની વહીવટી કુશળતાના અભાવે તેમજ શિર્ષ રાજકીય નેતાઓના દોરી સંચારથી પાલિકામાં વકરેલા જૂથવાદના કારણે પાલિકાનો વિકાસ રૂંધાયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ મામલે સ્થાનિક સ્તરે કામોમાં પણ આચરેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધની રજૂઆતો અને તપાસની મથ્થાપચ્ચી વચ્ચે 'બાર સાંધે ત્યાં તેર તુટે' તેવી અસંતોષ અને અસંમજશની સ્થિતિ વર્તાઈ રહી છે. આ બધા વચ્ચે શુક્રવારે(8 મે) સવારે કાલોલ પાલિકાના વોર્ડ નં 4ના ચાર અપક્ષ સભ્યો પૈકીના બે સભ્યો તેમના સમર્થકો અને પોતાના વિસ્તારના રહીશો સાથે પોતાના મતવિસ્તારની સમસ્યાઓની રજૂઆત માટે પાલિકા ભવનમાં પહોંચ્યા હતા.
આ દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી રોષે ભરાયેલા અપક્ષ સભ્યો અને લોકોએ પાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો અને રોષે ભરાયેલા ટોળાએ નગરપાલિકા કચેરીમાં હંગામો મચાવ્યો હતો. આ દરમ્યાન વોર્ડ નં 4ના એક અપક્ષ સભ્યએ હાથમાં ખુરશી લઈને પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસની તોડફોડ કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
સ્થાનિક સભ્યો અને રહીશોએ વરસાદી પાણીના નિકાલ તેમજ રોડ, ગટર અને અન્ય પ્રાથમિક સુવિધાઓના કામો અંગે અનેક વખત રજૂઆતો છતાં કોઈ કામગીરી ન કરતાં રોષ ઠાલવ્યો હોવાનું જણાવ્યું હતું. પાલિકા કચેરી ખાતે તોડફોડની ઘટનાને પગલે કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે, ગત વર્ષે યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં પાલિકાના વોર્ડ નં-4માં ભાજપની પેનલ સામે અપક્ષ ઉમેદવારોની પેનલનો વિજય થયો હતો. જે ચૂંટણી પછી વોર્ડ નં 4ના વિસ્તારમાં સ્થાનિક અપક્ષ સભ્યોએ પાલિકા સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં દોરી સંચારથી ચાલતી પાલિકાના વહીવટદારોમાં છેલ્લા એક વર્ષથી કોઈ વિકાસના કામો માટે પેટનું પાણી પણ ન હલતા સ્થાનિકો અને સભ્યમાં રોષ જોવા મળ્યો હતો.








