Gujarat

ખારી નદીમાં બે રોકટોક છોડવામાં આવતા ફેકટરીઓના કેમિકલયુકત પાણી,કડક કાર્યવાહી કરવાની માંગણી

By GS Team
21 Jan 20221 min read
This article was originally published on 21 Jan 2022
ખારી નદીમાં બે રોકટોક છોડવામાં આવતા ફેકટરીઓના કેમિકલયુકત પાણી,કડક કાર્યવાહી કરવાની માંગણી

    અમદાવાદ,શુક્રવાર,21 જાન્યુ,2022

અમદાવાદ પૂર્વમાં આવેલા હાથીજણ ગામની ખારી નદીમાં છેલ્લા કેટલાક સમયથી રામોલ રીંગ રોડ,ટોલ ટેકસ,વિનાયક પાર્ક નાની કેનાલમાં ગેરકાયદેસર રીતે ફેકટરીઓના કેમિકલવાળા અને ગટરના પાણી બેરોકટોક છોડવામાં આવી રહ્યા છે.આ ખારીકટ કેનાલ જે સિંચાઈ માટેની કેનાલ છે.આ કેનાલ રામોલ,ગતરાડ,બીબીપુરા,મેમદપુરા થઈ હાથીજણ ખારી નદીમાં સમાવેશ થતી કેનાલ છે.જેનુ પાણી આવતા આસપાસના તમામ રહીશો,ખેડૂતો આ દુર્ગંઘથી અને મચ્છરોના ત્રાસથી ત્રાહીમામ બની ગયા છે.

હાલમાં આ પાણી ઈન્ડિયા કોલોની,હાથીજણ, ડાકોર ભકિત માર્ગ,જુના ઓકટ્રોય નાકા પાસે ભરાઈને હાથીજણ સ્મશાનગૃહ તરફ થઈને આગળના ભાગમાં પસાર થાય છે.અગાઉ આ પાણી બંધ કરવામાં આવ્યુ હતું.હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીમાં છોડવામાં આવતા પ્રદૂષિત પાણીના મામલે તંત્રને આડે હાથ લેતા આ તરફ પાણી ડાયવર્ટ કરવામાં આવે છે.આ મામલે પ્રતીક દરજી દ્વારા જીપીસીબી ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાકીદે ઘટતી કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.