Gujarat

વડોદરા: NGTના આદેશનું ઉલ્લંઘન કરી કોર્પોરેશનને ચોમાસાના બહાને વિશ્વામિત્રીની સફાઈ કરતા અનેક જળચરોને નુકસાન પહોંચાડ્યું

By GS Team
21 Jan 20222 mins read
This article was originally published on 21 Jan 2022
વડોદરા: NGTના આદેશનું ઉલ્લંઘન કરી કોર્પોરેશનને ચોમાસાના બહાને વિશ્વામિત્રીની સફાઈ કરતા અનેક જળચરોને નુકસાન પહોંચાડ્યું

- રાજ્ય સભાના મહિલા સભ્યએ પર્યાવરણ મંત્રીને રજૂઆત કરતા કાર્યવાહી કરવા ગુજરાતના ચીફ સેક્રેટરીને સૂચના આપી

વડોદરા, તા. 21 જાન્યુઆરી

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા મે 2021માં વડોદરા મહાનગર પાલિકાને વિશ્વામિત્રી નદીની અસ્મિતા પુનઃ પ્રસ્થાપિત થાય અને વન્ય તથા સજીવ સૃષ્ટિ નિખરે અને જીવાવરણ સમતુલા સચવાય તે માટે વિવિધ પગલાં લેવા સૂચન કર્યું હતું.

તેના દ્વારા નદીના સમગ્ર પ્રવાહ ક્ષેત્રની આંકણી કરવી,નદીની પવિત્રતા જળવાય અને સજીવ સૃષ્ટિ વિકસે તે માટે નવેસરથી વૃક્ષ અને વનસ્પતિ ઉછેર કરવા સહિતની વિવિધ બાબતોનો પર્યાવરણની સમતુલા ફરી થી સ્થાપિત કરવા અમલ કરવા જણાવવામાં આવ્યું હતું.

જો કે વડોદરા કોર્પોરેશનએ આ ન્યાયિક સંસ્થાના આદેશોની ઘોર અવગણના કરીને તા.૧૦ મી જુલાઇ,૨૦૨૧ ના રોજ ચોમાસું સફાઈના ઓથા હેઠળ ભારે સંયાંત્રોની મદદથી નદીના પટમાં સફાઈ હાથ ધરી હતી.તેના થી વનસ્પતિ સૃષ્ટિ અને મગર,કાચબા સહિતની સંરક્ષિત પ્રજાતિઓ ને ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યું.આ કાયદા વિરુદ્ધની કામગીરીમાં રાજ્યનો વન વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મૂક સાક્ષી બની રહ્યો.

આ અંગે વડોદરા કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અને આ વિસ્તારના જાગૃત નાગરિકો એ રાજ્ય સભા સાંસદ ડો.અમી યાજ્ઞિક સમક્ષ આ બાબત ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય સાથે હાથ ધરીને વિશ્વામિત્રી ની અસ્મિત ને નવી ચેતના મળે એવી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.અને જણાવ્યું હતું કે આ બાબત વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન મળવા અંગે ખેદની લાગણી વ્યક્ત કરી હતી.

તેને અનુલક્ષીને રાજ્ય સભાના સભ્ય ડો.અમી યાજ્ઞિકે કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવને તા. 21મી ઓગષ્ટ, 2021ના રોજ પત્ર પાઠવીને વિશ્વામિત્રી ના પર્યાવરણ, જળચરો અને ઉભયચરો તેમજ વનસ્પતિ સંપદાની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.

તેમણે આ પત્ર દ્વારા વિશ્વામિત્રી અને તેના કોતર વિસ્તારની જીવાવરણીય અગત્યતા અને સંવેદનશીલતાને અવગણીને 1986ના પર્યાવરણ રક્ષણ કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓ, નદીના પ્રવાહ માર્ગને અવરોધતા બિન અધિકૃત દબાણો, તેના લીધે પુરથી કાંઠા વિસ્તારોને ભારે નુકશાન, ઉપરવાસના વિસ્તારો પર જોખમ, મગર, વિવિધ પ્રકારના કાચબા, સાંપ સહિતના સરીસૃપ, ઘો જેવા જીવોને તથા સદીઓ જૂના વનસ્પતિ વારસા અને વિવિધતાને થઈ રહેલા ઘોર નુકસાનનો ચિતાર આપીને રક્ષણ અને પુનર સ્થાપનાના જરૂરી આદેશો કરવા વિનંતી કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ આ રજૂઆતો ને ધ્યાનમાં લઈને તા. 9/9/2021ના પત્ર દ્વારા ઉચિત કાર્યવાહીની હૈયાધારણ આપવાની સાથે કેન્દ્રીય વન અને પર્યાવરણ સચિવને આ રજૂઆત ચકાસી ઉચિત કાર્યવાહીની સૂચના આપી હતી.

તેને ધ્યાનમાં લઈને કેન્દ્રીય સચિવે તા. 29/9/2021ના રોજ ગુજરાતના મુખ્ય સચિવ અને ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના સચિવને આ રજૂઆતો ચકાસીને સમુચિત કાર્યવાહી કરવા અને તેની રાજ્યસભાના સાંસદને જાણ કરવા જણાવ્યું છે.