વલસાડમાં જીઓના પાપે પાલિકાને લાખો રૃપિયાની નુકસાની છતાં તંત્ર ચૂપ

-બે માસ પહેલા નાંખેલા પેવર બ્લોક તોડી નાંખ્યા
-જીઓએ
વીજકંપનીના વાયર પણ તોડી નાંખતા ૪ થી ૫ કલાક વીજળી ડૂલ થઈ ગઈ, તો પાણીની લાઈનને પણ
નુકસાન કર્યું
વલસાડ
વલસાડ શહેરમાં જીઓએ આડેધડ ખોદકામ ચાલુ રાખતા શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. તાજેતરમાં પાલિકાએ બંદરરોડ પર લાખો રૃપિયાના ખર્ચે નાંખેલા પેવર બ્લોક પર ખોદકામ કરી તોડી નાંખવામાં આવ્યા હતા. તેમજ અંડર ગ્રાઉન્ડ જતા વીજકંપનીના વાયર પણ તોડી નાંખતા સમગ્ર વિસ્તારમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. આ બાબતની જાણ પાલિકાના માજી પ્રમુખને થતા સ્થળ ઉપર પહોંચીને કામને અટકાવ્યું હતું.
વલસાડ શહેરમાં જીઓ કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અનેક જગ્યાએ પીવાના પાણીની પાઈપ લાઈન, ડ્રેનેજ લાઈન તોડી નાંખવાના બનાવો બન્યા છે. છીપવાડ હનુમાન મંદિર સામે છેલ્લા ૨૫ દિવસથી લીકેજ શોધ શકાયુ નથી. ત્યારે બીજી બાજુ બુધવારે સવારે ૮ વાગ્યે જીઓ કંપનીએ હનુમાન ભાગડા પાસે બંદર રોડ ઉપર ખોદકામ કરતી વખતે પાલિકા બે મહિના પહેલાં નાંખેલા નવા પેવર બ્લોક ઉપર જ આડેધડ ખોદકામ કરી તોડી નાંખવા સાથે વીજકંપનીની અંડરગ્રાઉન્ડ લાઇનના વાયર તોડી નાંખ્યા હતા. જેને લીધે બંદર રોડ, હનુમાન ભાગડા, તરીયાવાડ, છીપવાડ, ભદેલી, ધકુચીતળાવ વગેરે વિસ્તારોની વીજળી ડુલ થઈ ગઈ હતી. જેને લીધે હજારો લોકોને અસર થઈ હતી. આ બાબતની જાણ પાલિકાના માજી પ્રમુખ રાજુ મરચાને થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને જીઓના કર્મચારીઓને ખોદકામ કરતા અટકાવ્યા હતા. અને તેઓ પાસે પાલિકા, ચીફ ઓફિસર કે વીજકંપનીના ખોદકામ માટે મંજુરી લીધી હોય તેવો પત્ર માંગ્યો હતો. પરંતુ તેઓ પાસે આવો કોઈ પરવાનગીવાળો પત્ર ન હતો. જીઓ કંપનીવાળાએ વિજળીના વાયર તુટી જતા વીજકંપનીને ફોન કરતા ટીમ સ્થળ ઉપર આવી હતી. જેને પણ રાજુ મરચાએ લપેટમાં લીધી હતી. જેથી તેઓને પણ ખોદકામ કરતાં અટકાવ્યા હતા. વીજકંપનીના કર્મચારીઓએ બીજેથી વિજળીની લાઈન લઈને કામચલાઉ વિજળી ચાલુ કરી હતી. જીઓએ કરેલ ખોદકામ દરમિયાન વીજકંપનીના વાયર ક્યાંથી તુટેલા છે તે ફોલ્ટ શોધવા માટે હવે વીજકંપનીએ પણ પાલિકાએ બે મહિના પહેલા નાંખેલા પેવર બ્લોક કાઢવા પડશે. જીઓની કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઈપલાઈન પણ તોડી નાંખવામાં આવી હતી. રાજુ મરચાએ પાલિકા અને વીજકંપનીને જીઓ કંપનીએ કરેલા લાખો રૃપિયાના નુકશાન માટે પોલીસ કેસ કરવા માટે જણાવ્યું હતું અને ત્યાં સુધી જીઓ કંપનીને ફરીથી કામ ચાલુ કરવા દેવાની સ્પષ્ટ ના પાડી હતી.
કોઈ પદાધિકારીઓ સ્થળ પર પહોંચ્યા નહીં
રાજુ
મરચાએ આ બાબતે પાલિકા પ્રમુખ કિન્નરી પટેલ, આજ વિસ્તારના સભ્ય અને કારોબારી ચેરમેન
છાયા પટેલ વગેરેને જાણ કરી હતી તેમ છતાં એક પણ અધિકારી કે પદાધિકારીએ સ્થળની
મુલાકાતી લીધી ન હતી.




