Gujarat

અંતે બ્રહ્મજ્ઞાન લાધ્યું ,અમદાવાદ મ્યુનિ.ના પ્લોટ ભાડે આપવા પોલીસી બનાવવા સુચન

By GS Team
17 Mar 20221 min read
This article was originally published on 17 Mar 2022
અંતે બ્રહ્મજ્ઞાન લાધ્યું ,અમદાવાદ મ્યુનિ.ના પ્લોટ ભાડે આપવા પોલીસી બનાવવા સુચન

    અમદાવાદ,ગુરુવાર,17 માર્ચ,2022

અમદાવાદના સાત ઝોનમાં મ્યુનિ.ના ૪૫૦૦ જેટલા પ્લોટ આવેલા છે.આ પ્લોટ પ્રસંગોચિત ભાડે આપવામાં આવે તો મ્યુનિ.ને વર્ષે સો કરોડની આવક થવાનો અંદાજ મુકી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પ્લોટ ભાડેથી આપવા પોલીસી બનાવવા તંત્રને સુચન કરવામાં આવ્યુ હતું.

સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ ચેરમેન હિતેષ બારોટે પ્રતિક્રીયા આપતા કહ્યુ,મ્યુનિ.માલિકીની મિલકત તેના નામે હોવી જોઈએ.સાત-બારમાં પણ મ્યુનિ.નું નામ હોવું જોઈએ.શહેરમાં ૪૫૦૦ પ્લોટ મ્યુનિ.માલિકીના છે. અગાઉ કમિટીમાં સુચના આપવામાં આવ્યા બાદ પંદર પ્લોટમાં કરવાપાત્ર કામગીરી કરાઈ છે.હજુ સંખ્યાબંધ પ્લોટમાં આ કામગીરી કરવાની બાકી છે.શહેરના અલગ અલગ વિસ્તારમાં નવી ટી.પી.ના કે અન્ય પ્લોટ જો ભાડે આપવામાં આવે તો મ્યુનિ.ને સો કરોડ જેટલી અંદાજિત આવક થાય એમ છે.હાલમાં પ્લોટ ભાડે આપવામાં આવે છે પરંતુ તે પ્લોટ ભાડે લેવામાં આવે એ સમયે પ્લોટ ભાડે લેનારને મિલકતવેરો વધુ ભરવો પડતો હોવાથી લોકો પ્રસંગોચિત પ્લોટ ભાડે લેવામાં ખચકાટ અનુભવતા હોય છે.આ અંગે નકકર પોલીસી બનાવવા તંત્રને સુચન કરવામાં આવ્યું છે.કોોરોના મહામારી બાદ પણ કેટલાક વિભાગના ઉપરી અધિકારી કમિટીમાં હાજર રહેતા નથી.જેથી જેમને કમિટીનો એજન્ડા મળે એ તમામ અધિકારી કમિટીની બેઠકમાં હાજર રહે એ માટે તાકીદ કરાઈ છે.શહેરમાં આવેલા વિવિધ ગાર્ડનમાં મુકવામાં આવેલા વિવિધ સાધનોની મરામત કરવા પણ સુચના આપવામાં આવી છે.