જિલ્લામાં 476 દર્દીએ કોરોનાને હરાવ્યોઃનવા 167 કેસ નોંધાયાં

શહેરી વિસ્તારમાં ૧૧૩ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યાંઃનવ વિદ્યાર્થીઓ સંક્રમિત
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટયું હોય
તે પ્રકારે ફેબુ્રઆરી માસના પ્રારંભથી પોઝિટિવ દર્દીઓનો રેસીયો ઘટી રહ્યો છે. ૨૪
કલાકમાં ૧૬૭ નવા દર્દીઓ પ્રકાશમાં આવ્યાં છે. શનિવારની તુલનામાં ખાસ્સો ઘટાડો
નોંધાયો છે. તે પણ સુખદ બાબત છે. કોર્પોરેશન વિસ્તારમાં ૧૧૩ દર્દીઓના કોરોના
રીપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. તમામ કોરોનાના દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં સારવાર
લઇ રહ્યાં છે. સેક્ટર-૮, ૯, કુડાસણ, સરગાસણ, રાંદેસણ, આઇઆઇટી પાલજ, વાવોલ, બોરીજ, પેથાપુર સહિત
અન્ય વિસ્તારોમાંથી નવા દર્દીઓ સામે આવ્યાં છે.
રવિવારે ૩૦૪ દર્દીઓને તંત્ર દ્વારા કોરોનામુક્ત જાહેર કરાયાં છે. તો બીજી તરફ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું હોય તે પ્રકારે દર્દીઓની સંખ્યા ઓછી થઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં નવ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે તો નવા ૫૪ કેસ સામે આવ્યાં છે. ત્યારે ૧૭૨ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયાં છે. હાલમાં એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે બાકીના તમામ દર્દીઓએ હોમ આઇસોલેશન પસંદ કર્યું છે. રવિવારે જિલ્લાના ૧૨૦ સેન્ટરો ઉપર ૧૬૮૬ લાભાર્થીઓને રસીથી રક્ષિત કરવામાં આવ્યાં છે. ૬૬૨૨ લોકોને તકેદારીના ભાગરૃપે હોમ ક્વોરેન્ટાઇન કરાયાં છે.




