Gujarat

મહેસાણા જિલ્લામાં ભેળસેળ કરતાં 7 વેપારીને અધ..ધ..38 લાખનો દંડ ફટકારાયો

By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021
મહેસાણા જિલ્લામાં ભેળસેળ કરતાં 7 વેપારીને અધ..ધ..38 લાખનો દંડ ફટકારાયો

મહેસાણા, તા.3

મહેસાણા જિલ્લાના મહેસાણા, વિસનગર, વિજાપુર તાલુકાના સીંગતેલ, ગોળના વેપારીઓની પેઢીમાં અગાઉ  ફુડ વિભાગે દરોડા પાડી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતા.જેનો રિપોર્ટ આવતા સેમ્પલમાં ભેળસેળ જણાઈ હતી. જથી અધિક નિવાસી કલેક્ટરની  કોર્ટે કસુરવાર ૭ વેપારીઓને ભેળસેળ કરવા મામલે રૃ.૩૭.૮૫ લાખનો દંડ ફટકાર્યો હતો. જેના પગલ ભેળસેળિયા વેપારીઓમાં હડકંપ મચી ગયો હતો.

મહેસાણા શહેર અને જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓ, કરિયાણાનું વેચાણ કરતાં કેટલાંક વેપારીઓ દ્વારા ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતાં હોય છે. જેની સામે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફ્ટી ઓફિસર સહિતનાની ટીમે દરોડા પાડી જુદીજુદી ખાદ્ય ચીજોના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યાં હતા. જે પૈકીના મહેસાણા શહેરના માલ ગોડાઉન પાસેની મે.પટેલ મગનલાલ શિવરામ નામની પેઢીમાંથી પરિવાર ગોળ, સ્પેશ્યલ મોર છાપ ગોળ, ટાઈગર ગોળના ત્રણ નમૂના તેમજ વિસનગરની મે.શ્રી જય  અંબે ટ્રેડર્સ, ન્યૂ ગંજ બજારની પેઢીમાંથી મોરછાપ ગોળ તેમજ મહેસાણાની મે.વહાણવટી સ્વીટ માર્ટમાંથી ખોયા (માવો) તથા વિજાપુર શહેરની મે.શ્રી ગણેશ ટ્રેડીંગ કંપનીમાંથી સીંગતેલ અને શ્રીજી ટ્રેડીંગ કંપનીમાંથી સીંગતેલના નમૂનામાં ભેળસેળ મળી આવતાં જવાબદારો સામે એડજ્યુડીકેટીંગ ઓફિસર અને અધિક નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યાં હતા. જેમાં બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ કુલ ૭ કેસમાં  તમામ વેપારીને રૃ.૩૭.૮૫ લાખનો દંડ ફટકાર્યો હતો. જેના પગલે જિલ્લામાં ભેળસેળ કરી લોકોની જિંદગીને જોખમમાં મુકતાં વેપારીઓ ફફડી ઉઠયાં છે.