Gujarat

ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો

By GS TEAM
1 May 20261 min read
ચાર મહિનાના સમયમાં  અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો

  અમદાવાદ,શુક્રવાર,1 મે,2026

અમદાવાદના તમામ સાત ઝોનમાં રોડ ઉપર ગેરકાયદે પાર્ક કરવામા આવતા વાહનોને દંડ કરવા ઉપરાંત દબાણો દુર કરી એસ્ટેટ વિભાગ દ્વારા દંડ વસૂલ કરવામા આવે છે. ચાર મહિનામા સાત ઝોનમાંથી દબાણો દુર કરી રુપિયા ૨.૫૭ કરોડની વસૂલાત કરાઈ છે.જયારે ગેરકાયદે પાર્ક થયેલા ૧૦૫૯૮ વાહનોને દંડ ફટકારવામા આવ્યો છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૮૨ લાખની રકમ વસૂલવામા આવી હતી.

અમદાવાદના રોડ ઉપરના દબાણોને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને દબાણ વગરનો એક પણ રોડ હોય તો બતાવો એમ  કહેવામા આવ્યુ હતુ.આ તરફ મ્યુનિસિપલ તંત્રના દાવા પ્રમાણે, આ વર્ષના આરંભથી ૨૫ એપ્રિલ સુધીમાં સાત ઝોનમાંથી ૬૮૮૭ લારી-ગલ્લાના દબાણ દુર કરવામા આવ્યા હતા.લગભગ ૨૫૦૮૯ ગેરકાયદે હોર્ડિંગ્સ,બેનર દુર કરવામા આવ્યા હતા.નોંધપાત્ર બાબત એ છે કે, મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામા બુધવારે વીકલી રીવ્યુ બેઠક મળી હતી.જેમા તમામ સાત ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને રોડ ઉપરના દબાણો દુર કરવા તાકીદ કરી હતી.જેના પગલે એસ્ટેટ વિભાગે કામગીરી કરી હોવાનુ બતાવવા પ્રયાસ કર્યો છે.પરંતુ રોડ ઉપરથી હટાવવામા આવેલા લારી-ગલ્લાના દબાણ ગણતરીના સમયમા પાછા જોવા મળતા હોય છે.