Gujarat

સી.એ. ઇન્ટરમીડિયેટમાં બન્ને ગુ્રપમાં 24 અને ફાઉન્ડેશનમાં 73 વિદ્યાર્થી સફળ

By GS TEAM
10 Mar 20263 mins read
સી.એ. ઇન્ટરમીડિયેટમાં બન્ને ગુ્રપમાં 24 અને ફાઉન્ડેશનમાં 73 વિદ્યાર્થી સફળ

- નિયમિત અભ્યાસ અને કઠોર મહેનતનું પરિણામ

- 29 વિદ્યાર્થી પ્રથમ ગુ્રપમાં અને 10 વિદ્યાર્થી બીજા ગુ્રપમાં ઉતિર્ણ થયા

ભાવનગર : જાન્યુઆરી દરમિયાન યોજાયેલ સી.એ. ફાઉન્ડેશન અને સી.એ. ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે ભાવનગરથી ફાઉન્ડેશનમાં ૭૩ વિદ્યાર્થી જ્યારે ઇન્ટરમીડિયેટના બંને ગુ્રપમાં ૨૪, પ્રથમ ગુ્રપમાં ૨૯ અને બીજા ગુ્રપમાં ૧૦ વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે. જ્યારે ત્રણ વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું હતું.

તાજેતરમાં આઇસીએઆઇ દ્વારા જાહેર થયેલા સીએ ફાઉન્ડેશન અને સીએ ઇન્ટરમિડિયેટ પરીક્ષાના પરિણામમાં શહેરના વિદ્યાર્થીઓએ શાનદાર સફળતા મેળવી છે. વિદ્યાર્થીઓએ મહેનત અને સંકલ્પના આધારે રાષ્ટ્રીય સ્તરે તેમજ ઉચ્ચ ગુણ સાથે પરિણામ મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. સીએ ફાઉન્ડેશનમાં કુલ ૩૧૪ વિદ્યાર્થીઓ હાજર રહેલા જેમાંથી ૭૩ વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી. આ પરિણામમાં યશ દેવમુરારીએ કુલ ૩૪૯ ગુણ મેળવી ઓલ ઇન્ડિયા રેંક-૧૦ પ્રાપ્ત કરી દેશભરમાં ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિથી વિદ્યાર્થી વર્ગમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે. તે ઉપરાંત ભવ્યા ધંધુકીયાએ ૩૧૪ ગુણ મેળવી શહેરમાં બીજો ક્રમાંક અને ધ્વની જાનીએ ૩૧૩ ગુણ સાથે શહેરમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. ત્રણેય વિદ્યાર્થીઓએ ભાવનગરમાં જ રહીને અભ્યાસ કર્યો હતો. નિયમિત અભ્યાસ, યોગ્ય માર્ગદર્શન અને કઠોર મહેનત દ્વારા આ સફળતા મેળવી છે. જ્યારે સીએ ઇન્ટરમીડિયેટમાં ભાવનગરના ૨ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી ભાવેણાનું ગૌરવ વધાર્યું છે. તીર્થ વોરા અને રુદ્રાબા ચુડાસમાએ અનુક્રમે ૧૧ અને ૩૩ મો ક્રમ મેળવ્યો છે. કુલ ૧૩૫ વિદ્યાર્થીઓએ આપેલી બંને ગુ્રપની પરીક્ષામાં ૨૪ વિદ્યાર્થી બંને ગુ્રપ, ૨૯ વિદ્યાર્થી પ્રથમ ગુ્રપ, અને ૧૦ વિદ્યાર્થીઓ બીજા ગુ્રપમાં ઉત્તીર્ણ થયા છે. આ પરિણામથી શહેરમાં સીએ અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પણ આ સફળતા પ્રેરણારૂપ બની છે.

નિયમિત ટેસ્ટથી 50 થી 70 ટકા પ્રેશર ઘટે અને કોન્ફીડન્સ આવે છે

સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં ભાવનગરના યશ દેવમુરારીએ ૧૦મો રેન્ક મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. જેઓએ સી.એ.ના સ્વપ્નને આત્મસાત કરી છ કલાકની ઉંઘ સિવાય પૂર્ણ સમય તૈયારીને સમર્પિત કરી દેવાયો હતો. તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે, લક્ષ્ય સિદ્ધ કરવા પોતાના શોખ પોતાની ઇત્તર પ્રવૃત્તિ ઉપર પણ કન્ટ્રોલ કરવો જરૂરી છે. વધુમાં શરૂઆતથી નિયમિત ટેસ્ટ આપવાથી પરીક્ષા સમયે પ્રેશરમાં ૭૦ ટકા ઘટાડો થયો છે અને આ ટેસ્ટના ફળ સ્વરૂપ આત્મવિશ્વાસમાં પણ વધારો થયો હોવાનું જણાવ્યું હતું.

સી.એ. ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં રૂદ્રાબાએ ઓલ ઇન્ડિયામાં 33 મો રેન્ક મેળવ્યો

જાન્યુ.માં લેવાયેલ સી.એ. ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં ભાવનગરના રૂદ્રાબા મયુરધ્વજસિંહ ચુડાસમાએ ઓલ ઇન્ડિયા ૩૩મો રેંક સાથે સિદ્ધિ મેળવી છે. તેઓએ જણાવ્યું હતું કે ધો.૧૨માં ૮૯ ટકા સીબીએસસીમાં મેળવ્યા બાદ સી.એ. કરવાની ઇચ્છા અને પરિવારની હૂફ મળતા મન બનાવ્યું હતું. દિવસ ભરના ફેકલ્ટી લેક્ચર અને ટેસ્ટ બાદ રાત્રે સેલ્ફ સ્ટડીની પણ અથાગ મહેનતનું આજે પરિણામ આવ્યું છે. એકાતરે લેવાતા ટેસ્ટથી રાઇટીંગ, સ્પીડ અને ટાઇમ મેનેજમેન્ટનું સારૂ વળતર આ પરીક્ષામાં મળ્યું હતું. જ્યારે ડ્રીમ એક્સ ઇન્સ્ટીટયુટની ફેકલ્ટીનું તબક્કાવારનું માર્ગદર્શન અને ડાઉટ સોલનું પરફેક્ટ સોલ્યુશન પણ ઘણુ કારગત સાબિત થયું હોવાનું જણાવ્યું હતું.