Gujarat

અરવલ્લી જિલ્લામાં એક વર્ષમાં 297 માર્ગ અકસ્માતમાં 165 વ્યકિતનાં મોત

By GS Team
22 Jan 20223 mins read
This article was originally published on 22 Jan 2022
અરવલ્લી જિલ્લામાં એક વર્ષમાં 297 માર્ગ અકસ્માતમાં 165 વ્યકિતનાં મોત

મોડાસા,તા. 21

દેશમાં સુવિધાજનક માર્ગો માટે સરકાર દ્વારા અબજો રૃપિયાનો ખર્ચ કરાય છે,માર્ગ મરાતમને જાળવણીને લઈ ઠેર ઠેર ટોલનાકા ઉભા કરી ટોલ પણ ઉઘરાવાય છે. પરંતુ વધતા જતાં માર્ગ અકસ્માતો ઘટાડવામાં તંત્ર નબળું પુરવાર થઈ રહયું છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૨૯૭ વાહન અકસ્માતો સર્જાયા છે. અને આ અકસ્માતોમાં ૧૬૫ નિર્દોષ વ્યક્તિઓને જાન ગુમાવવાનો વારો આવ્યો છે. રાજય સરકાર દ્વારા દર વર્ષે એકવાર સપ્તાહ પૂરતી માર્ગ સલામતી ઝુંબેશ કાયમી બનાવાય અને પોલીસ,આરટીઓ તથા માર્ગ અને મકાન વિભાગની કામગીરી તેજ બનાવાય તેવી હવે જરૃરીયાત વર્તાઈ રહી છે. છેલ્લા ૩ વર્ષ દરમ્યાન જિલ્લાના હદ વિસ્તારના માર્ગો ઉપર સર્જાયેલ કુલ અકસ્માતોમાં વર્ષ ૨૦૨૧ દરમ્યાન સૌથી વધુ અકસ્માતો સર્જાયા હતા.  અરવલ્લી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાત દ્વારા જિલ્લામાં વધતા જતાં માર્ગ અકસ્માતો ઉપર નિયંત્રણ મેળવવા ૧૦ બ્લેક સ્પોટ ઉપર સુરક્ષા સૂચના દર્શક બોર્ડ લગાવવાથી માંડી ગેરકાયદેસર રીતે સ્ટેટ હાઈવે રોડ ઉપર અપાયેલ ૪૪ બીન અધિકૃત કટ મીડીયમ ગત વર્ષે દૂર કરાવ્યા હતા.છતાં ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરી બેદકારી અને ગફલતભરી રીતે વાહન હંકારાતાં બેફામ બનેલા વાહન ચાલકોએ વર્ષ ૨૦૨૧ દરમ્યાન ૨૯૭ માર્ગ અકસ્માતો સર્જાયા હતા,અને આ ૧૪૭ ફેટલ અને ૪૨ ગંભીર અકસ્માતોમાં વર્ષ દરમ્યાન જ ૧૬૫ નિર્દોષ વ્યક્તિઓને જાન ગુમાવવાનો વારો આવ્યો હતો. જિલ્લામાં  છેલ્લા ૩ વર્ષ દરમ્યાન સર્જાયેલા કુલ ૭૭૪ માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ માર્ગ અકસ્માત વર્ષ ૨૦૨૧ દરમ્યાન સર્જાયા હતા.જેમાં કુલ ૨૯૭ વાહન અકસ્માતો પૈકી  જિલ્લા પોલીસે ૨૬૫ અકસ્માતના ગુના ડીટેકટ કરી કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લામાં છેલ્લા ૩ વર્ષમાં ૭૭૪ માર્ગ અકસ્માત  ઃ ૪૪૧ જણા મોતને ભેટયા

છેલ્લા ૩ વર્ષમાં જિલ્લામાં ૭૭૪ માર્ગ અકસ્માત નોંધાયા છે,જેમાં ૨૦૧૯માં ૨૬૦, ૨૦૨૦માં ૨૧૭ અને સૌથી વધુ ૨૦૨૧માં ૨૯૭ અકસ્માતો સર્જાયા હતા.આ ૩ વર્ષ દરમ્યાન જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ૩૯૩ ફેટલ,૪૨ ગંભીર અને ૧૦૧ સામાન્ય અકસ્માતોમાં ૪૪૧ નિર્દોષ વ્યક્તિઓએ જાન ગુમાવી હતી.આ કુલ વાહન અકસ્માતો પૈકી ૬૮૯ ગુનાઓનો જિલ્લા પોલીસે ભેદ ઉકેલી કસૂરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

રાજયમાં દર વર્ષે ૬૫૦૦ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવે છે

સરકાર દ્વારા હાથ ધરાયેલ એક સર્વે મુજબ રાજયમાં દર વર્ષે સરેરાશ અંદાજે ૩૦ હજાર માર્ગ અકસ્માત સર્જાય છે. વિશ્વભરમાં મહામારી સર્જનાર કોરોના સંક્રમણને લઈ રાજયમાં સરકારી આંકડા મુજબ બે વર્ષમાં ૧૦૧૯૯ વ્યક્તિઓના મોત નીપજયા છે. જયારે વર્ષે ૬૫૦૦ વ્યક્તિ માર્ગ અકસ્માતં મોતને ભેટે છે, ત્યારે રાજય સરકાર દ્વારા ગત વર્ષે  ઓકટોમ્બર માસમાં વાહન અકસ્માત સારવાર યોજનાની જાહેરાત કરાઈ હતી.અને પ્રથમ ૪૮ કલાકની સારવાર પેટે ઈજા પામરનારને રૃ.૫૦ હજાર ચૂકવાનું ઠેરવ્યું હતું. ત્યારે વધતા જતાં અકસ્માતોને લઈ સરકાર જવાબદાર વિભાગોને પણ એકશન મોડ પર લાવે અને ટ્રાફિક નિયમનનું કડક પાલન થાય તે જોવે તે જરૃરી મનાય છે.

સૌથી વધુ અકસ્માત મોડાસા રૃરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં

જિલ્લાના જુદાજુદા ૧૧ પોલીસ સ્ટેશન હદ વિસ્તારોમાં ગત વર્ષ દરમ્યાન કુલ ૨૯૭ માર્ગ અકસ્માતો નોંધાયા છે.જેમાં સૌથી વધુ ૫૮ અકસ્માત મોડાસા રૃરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થવા પામ્યા છે.જેમં ૩૩ વ્યક્તિઓના મોત પણ નીપજયા હતા.જયારે જિલ્લાના ધનસુરા અને ભિલોડા હદ વિસ્તારમાં ૩૫-૩૫ અકસ્માતો સર્જાયા હતા.જે પૈકી ધનસુરા પંથકના અકસ્માતોમાં ૨૫ અને ભિલોડા પંથકના અકસ્માતોમાં ૧૯ વ્યક્તિઓ એ જાન ગુમાવ્યા હતા.