Gujarat

એક જ દિવસમાં વધુ 14 કોરોના પોઝિટિવ દર્દી નોંધાતાં આરોગ્ય તંત્ર ઉંધા માથે

By GS Team
5 Jan 20223 mins read
This article was originally published on 5 Jan 2022
એક જ દિવસમાં વધુ 14 કોરોના પોઝિટિવ દર્દી નોંધાતાં આરોગ્ય તંત્ર ઉંધા માથે

મહેસાણા, તા.૪

છેલ્લા પખવાડિયાથી મહેસાણા જિલ્લા ઉપર કોરોનાનો વિકરાળ પંજો વિસ્તરી રહ્યો છે. રોજબરોજ કોરોનાના દર્દીઓનો ચિંતાજનક વધારો થતો રહ્યો છે. ગઈકાલે  જિલ્લામાં ડઝનેક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. દરમિયાનમાં આજે સતત બીજા દિવસે પણ કોરોનાએ કહેર મચાવી ૧૪ વ્યક્તિઓને લપેટમાં લઈ લીધા છે. જેના પગલે જિલ્લા આરોગ્ય તંત્રના બાબુઓએ ઉંધા માથે થઈને દોેડધામ મચાવી દઈ કોરોનાગ્રસ્ત દર્દીઓને આઈસોલેટ કરવા સહિતની કામગીરીમાં જોતરાઈ ગયા હતા. મહેસાણા શહેરમાં આજે કોરોનાના ૭ દર્દી તથા પાંચોટ ગામના બે દર્દી અને વિસનગરના બે, બેચરાજીના એક, વિજાપુરમાં એક અને ઊંઝામાં એક કોરોના કેસ સામે આવતાં લોકોમાં ભયનો માહોલ ખડો થયો હતો.

મહેસાણા જિલ્લામાં આજે ૧૫ થી ૧૮ વર્ષના કુલ ૨૯૯૮૯  બાળકોને વેક્સિનેશન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લામાં છેલ્લાં બે દિવસમાં કુલ ૫૭૭૭૯ બાળકોને કોરોના સામે સુરક્ષા માટેની રસી આપવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૫.૫ ટકા વેક્સિનેશન નોંધાયું છે. મહેસાણા શહેરમાં પણ કોરોનાએ જાણે કે માઝા મુકી હોય તેમ ગઈકાલે ચાર કેસ નોંધાયા બાદ આજે વધુ સાત કોરોના કેસ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ, કર્મચારીઓએ દર્દીઓને આઈસોલેશનની સાથે હોસ્પિટલમાં ખસેડવાની અને જે તે વિસ્તારોમાં બેરીકેટ્સ મુકવા સહિતની કામગીરી હાથ ધરી હોવાનું સીડીએચઓ.ડો.વિ.એ.પટેલે જણાવ્યું હતુ.

મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૩૫૭૨૩ સેમ્પલ લેવાયા છે. જેમાંથી ૩૩૨૬૫૨ સેમ્પલ નેગેટીવ આવ્યાં છે. આજે ૩૦૨૭ સેમ્પલનું રીઝલ્ટ નેગેટીવ આવ્યું છે. જો કે, મહેસાણા જિલ્લાના એક દર્દીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ ગાંધીનગર જીએમઈઆરએસ ખાતે નોંધાયો હતો. જ્યારે ખાનગી લેબોરેટરીમાં ૧૩ પોઝિટિવ મળી કુલ ૧૪ કોરોના કેસ નોંધાયા છે. જેમાં શહેરી વિસ્તારમાં ૮ અને ગ્રામ્ય પંથકમાં ૬ દર્દીનો સમાવેશ થાય છે. દરમિયાનમાં આજે ૨૬૬૮ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જે તમામ સેમ્પલનું રીઝલ્ટ પેન્ડિંગ છે. હાલમાં એક્ટિવ કેસ ૪૫ નોંધાયા છે. જ્યારે એક  દર્દીને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા ે હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ૧૦ આરટીપીસીઆર સેન્ટર પર  મંગળવારે ૧૧૦ આરટીપીસીઆર ટેસ્ટ અને આઠ એન્ટીજન ટેસ્ટ લેવાયા હતા. જ્યારે અત્યારસુધીમાં કુલ ૫૧૩૩ આરટીપીસીઆર ટેસ્ટ અને એન્ટીજનના ૨૪૨ ટેસ્ટ નોંધાવા પામ્યા છે.

વકરતા જતા કોરોનાને લઈ પાટણ તંત્રની બેઠક

પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં વકરી રહેલા કોરોનાને કારણે પાટણ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પૂર્વ તૈયારીના ભાગરૃપે ડોર ટુ ડોર સર્વેલન્સ દવાઓનું વિતરણ, વોર્ડ દિઠ ધન્વંતરી રથ, ઓપીડી સંખ્યામાં વધારો કરવા સહિતના પગલાં લેવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરમાં માસ્ક અને દવાઓની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવાની પણ તૈયારીઓ દર્શાવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, મદદનીશ કલેક્ટર, નિવાસી અધિક કલેક્ટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને રાજકીય આગેવાનો તેમજ સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

કોરોનાગ્રસ્તોની વિગત
તાલુકો વિસ્તાર ઉંમર   જાતિ   ગ્રામ્ય-શહેરી    ટ્રાવેલ હિસ્ટ્રી
મહેસાણા        ધરમ સિનેમા રોડ       ૬૭     સ્ત્રી     શહેરી   -
મહેસાણા        ટી.બી. રોડ     ૫૩     સ્ત્રી     શહેરી   -
મહેસાણા        માનવઆશ્રમ   ૫૨     સ્ત્રી     શહેરી   અમદાવાદ
મહેસાણા        માનવઆશ્રમ   ૨૫     પુરુષ   શહેરી   અમદાવાદ
મહેસાણા        જેલ રોડ        ૫૭     સ્ત્રી     શહેરી   -
મહેસાણા        રાધનપુર રોડ  ૩૬     પુરુષ   શહેરી   -
મહેસાણા        માલગોડાઉન રોડ       ૩૨     પુરુષ   શહેરી   બિહાર
મહેસાણા        પાંચોટ ૩૨     સ્ત્રી     ગ્રામ્ય   -
મહેસાણા        પાંચોટ ૨૧     પુરુષ   ગ્રામ્ય   -
વિસનગર       ગાયત્રીનગર    ૬૭     પુરુષ   શહેરી   -
વિસનગર       ભાન્ડુ   ૩૭     પુરુષ   ગ્રામ્ય   મુરાદાબાદ(યુપી)
બેચરાજી        બેચર   ૨૩     પુરુષ   ગ્રામ્ય   બિહાર
વિજાપુર        લાડોલ ૪૭     પુરુષ   ગ્રામ્ય   -
ઊંઝા   જગન્નાથપુરા    ૩૩     પુરુષ   ગ્રામ્ય   -