અમદાવાદ: આંબેડકર બ્રિજ પાસે જોખમી રીતે ચાલતા ગેસ રિફિલિંગ રેકેટથી સ્થાનિકો ત્રસ્ત, દાણીલીમડા પોલીસની રહેમનજર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Illegal Gas Refilling: અમદાવાદ શહેરના આંબેડકર બ્રિજ ખોડિયારનગર નજીક આવેલા ચામુંડાનગરમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરીને ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો રાખવામાં આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીતામંદિર વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બન્યા બાદ પણ દાણીલીમડા પોલીસે ચામુંડાનગરમાં ચાલતું ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ બંધ ન કરાવતા, આ અંગે પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવામાં આવી છે.
ગેસ એજન્સીમાં કામ કરતા કર્મચારીઓની મિલીભગત
અમદાવાદમાં બહેરામપુરા, સરખેજ, અસલાલી તેમજ આંબેડકર બ્રિજ પાસે આવેલા ચામુંડાનગરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેમાં ચામુંડાનગરમાં ખૂબ મોટા પ્રમાણમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતા સ્થાનિક લોકો હવે તંગ આવી ગયા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે ચામુંડાનગરમાં ગેસ એજન્સીમાં કામ કરતા કર્મચારીઓ રહે છે, જેઓ ગેસ સિલિન્ડરની ડિલિવરીની કામગીરી સાથે સંકળાયેલા છે. તેઓ ગેસ એજન્સીના સંચાલકોની મિલીભગતથી ગેસ સિલિન્ડર ગ્રાહકો સુધી પહોંચાડતા પહેલા ચામુંડાનગરમાં લાવે છે. ત્યાં સિલિન્ડરમાંથી ગેસની ગેરકાયદે ચોરી કરીને ઓછા વજનના સિલિન્ડર ગ્રાહકોને સપ્લાય કરવામાં આવે છે.
દરરોજ 500 જેટલા ગેસ સિલિન્ડરમાં ચોરી
એક સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવા માટે ચામુંડાનગરમાં જ ખાસ રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવે છે. દરરોજ 500 જેટલા ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદે રિફિલિંગ થાય છે. જો અહીં બ્લાસ્ટની ઘટના બને તો મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ શકે તેમ છે.
દાણીલીમડા પોલીસ સ્ટેશનના વહીવટદારની સંડોવણી?
થોડા દિવસ પહેલાં ગીતામંદિર વિસ્તારમાં એક ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી. ત્યારબાદ ચામુંડાનગરમાં રહેતા કેટલાંક સ્થાનિક લોકોએ ગેસ રિફિલિંગના કૌભાંડ સાથે સંકળાયેલા લોકોને આ વિસ્તારમાં જોખમી પ્રવૃત્તિ બંધ કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ તેઓને ધમકી આપવામાં આવી હતી. બાદમાં સ્થાનિક પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આ મામલે સૌથી ચોંકાવનારો દાવો એ પણ છે કે દાણીલીમડા પોલીસ સ્ટેશનના વહીવટદારની સીધી દોરવણી હેઠળ જ ગેરકાયદે ગેસ રિફિલિંગનો કારોબાર ચાલી રહ્યો છે.









