'ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી': લાડાણી

માણાવદરના ભાજપના MLAના નિવેદનથી વિવાદ : ખોખરડાના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી બફાટ કર્યો : સોશ્યલ મીડિયામાં ઝાટકણી : ખુદ ભાજપમાં જ અંદરોઅંદર ટીખળ શરૂ
જૂનાગઢ, : વંથલી તાલુકાના ખોખરડા ગામે પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં માણાવદર ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગામડા અને શહેરના મુદ્દે ટીકા-ટિપ્પણી કરતા વિવાદ છેડાયો છે. ધારાસભ્યએ મંચ પરથી નિવેદન કર્યું કે, 'સિટીમાં ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો'ય નથી' તેવું કહેતા ખુદ ભાજપમાં જ અંદરોઅંદર આ મુદ્દે ટીખળ શરૂ થઈ ગઈ છે.
માણાવદરના ધારાસભ્ય સામે થોડા દિવસ પહેલા મેંદરડા પંથકના અનેક ખેડૂતોએ ફોન નહીં ઉપાડવા સહિતના મુદ્દે રોષ ઠાલવ્યો હતો. હવે ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરીવાર તેમના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે. વંથલી તાલુકાના ખોખરડા ગામે પ્રાથમિક શાળાના એક કાર્યક્રમમાં મંચ પરથી લાડાણી બોલી રહ્યા છે કે, 'અમો ગામડાની સાથે જ છીએ, ગામનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે, હું આજે પણ ગામડામાં જ રહું છું, સિટીમાં અમને ફાવતું નથી અને સિટીનો વિકાસ અમારાથી દેખાતો'ય નથી.'
આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપના ધારાસભ્યને શહેરનો વિકાસ થાય તે ગમતું નથી તેવું અર્થઘટન કરી અનેક લોકોએ તથા અમુક ભાજપના જ આગેવાનોએ ધારાસભ્યની ટીકા-ટિપ્પણી શરૂ કરી દેતા વિવાદ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર લોકોએ અવનવી પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવા પણ લખ્યું છે. વળી, ધારાસભ્યની આ સ્પષ્ટતા બાદ પણ સોશિયલ મીડિયા પર વિવાદ શમવાનું નામ લેતો નથી અને લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે.









