Gujarat

વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા, શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે 'પતિદેવે' સ્વાગત સ્વીકાર્યું

By GS TEAM
23 Jun 20262 mins read
TukuTouch Logo
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને રાજકારણ અને સમાજમાં સમાન હક અને સ્થાન અપાવવા માટે 33 ટકા મહિલા અનામત જેવી ઐતિહાસિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી નારી શક્તિ સશક્ત બને અને પોતાના નિર્ણયો જાતે લઈ શકે, પરંતુ વાવ-થરાદ જિલ્લામાં આ અનામત અને મહિલા સશક્તિકરણના ખુલ્લેઆમ ધજાગરા ઊડતા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા, શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે 'પતિદેવે' સ્વાગત સ્વીકાર્યું

Husband Takes Spotlight Instead Of Female Taluka Chief : એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને રાજકારણ અને સમાજમાં સમાન હક અને સ્થાન અપાવવા માટે 33 ટકા મહિલા અનામત જેવી ઐતિહાસિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી નારી શક્તિ સશક્ત બને અને પોતાના નિર્ણયો જાતે લઈ શકે, પરંતુ  વાવ-થરાદ જિલ્લામાં આ અનામત અને મહિલા સશક્તિકરણના ખુલ્લેઆમ ધજાગરા ઊડતા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

હાલમાં જ અહીં યોજાયેલા લેડાઉની સરકારી શાળાના પ્રવેશોત્સવ દરમિયાન સરકારી નિયમો અને લોકશાહીના મૂલ્યોની ઐસીતૈસી કરવામાં આવી હતી, આ સત્તાવાર કાર્યક્રમમાં જે પ્રોટોકોલ મુજબ મહિલા તાલુકા પ્રમુખનું સન્માન અને સ્વાગત થવાનું હતું, તેના બદલે મંચ પર તેમના 'પતિદેવ' બિરાજમાન થયા હતા, અને તેમણે જ તમામ સ્વાગત અને સન્માન સ્વીકારી લીધું હતું, આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે, આ પંથકમાં હોદ્દા પાછળ માત્ર મહિલાઓના નામનો મહોરા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. 

પત્નીના બદલે 'પતિદેવ'નું રાજ!

ચૂંટણી જીત્યા પછી પણ વાસ્તવિક વહીવટ અને સત્તાનો દોર પુરુષ પતિઓ પોતાના હાથમાં જ રાખે છે. મહિલા પ્રમુખને માત્ર કાગળ પર સીમિત રાખીને તેમના અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે. શાળા પ્રવેશોત્સવ જેવા શૈક્ષણિક અને સંસ્કારી કાર્યક્રમમાં જ જ્યારે કાયદાની આવી મજાક ઉડતી હોય, ત્યારે સમાજમાં અને નવી પેઢીમાં શું સંદેશ જશે? સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓ આ 'પતિરાજ' પ્રથા સામે આંખ આડા કાન કરીને બેઠા છે? સરકાર એક તરફ નારી વંદન અને મહિલા ઉત્કર્ષની મોટી-મોટી વાતો કરે છે, ત્યારે વાવ-થરાદમાં બનેલી આ ઘટના દર્શાવે છે કે, જમીની હકીકત તદ્દન અલગ છે. જો મહિલાઓને માત્ર નામ પૂરતી જ આગળ રાખવાની હોય, તો આ અનામતનો અર્થ શું? આ ગંભીર બેદરકારી અને પ્રોટોકોલ ભંગ બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.