અમદાવાદ રેલવે સ્ટેશને મુસાફરોની ભારે ભીડ: કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા ટ્રેનની રાહ જોતા લોકો માટે ફૂડ પેકેટની કરાઈ વ્યવસ્થા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Railway Station Festive Rush: દિવાળી અને આગામી મહાપર્વ છઠ પૂજાને કારણે અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર પરપ્રાંતિય મુસાફરોનો મહાસાગર ઉમટી પડ્યો છે. રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં ભારે ભીડના કારણે હજારો મુસાફરો કલાકો સુધી સ્ટેશન પર ભૂખ્યા-તરસ્યા બેસી રહેવા મજબૂર બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મુસાફરોની મદદ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
હોલ્ડિંગ એરિયામાં બેસવાની સાથે ખાવા-પીવાની સગવડ
પ્લેટફોર્મ પર અરાજકતા અને ભાગદોડ અટકાવવા માટે ખાસ તૈયાર કરાયેલા હોલ્ડિંગ એરિયામાં મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા સાથે પંખા, લાઈટ અને પીવાના પાણીના પૂરતા પ્રબંધ કરાયા છે. લાંબા સમયથી ટ્રેનની રાહ જોતા મુસાફરોને અસુવિધા ન થાય તે માટે તંત્ર સતત કાર્યરત છે.
એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ
સામાન્ય શ્રેણી (General Class) ના મુસાફરો, ખાસ કરીને નાના બાળકો અને મહિલાઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે વિવિધ એનજીઓના સહયોગથી હોલ્ડિંગ એરિયામાં ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં પૂરી-શાક, હલવો, થેપલા સહિતની ખાદ્ય સામગ્રી અને પીવાની પાણીની બોટલો વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, જ્યારે મુસાફરો ટ્રેનમાં બેસવા માટે પ્લેટફોર્મ પર જાય છે, ત્યારે પણ તેમને બિસ્કિટ અને પાણીના પેકેટ આપવામાં આવે છે, જેથી લાંબી મુસાફરીમાં તેમને ભૂખ્યા ન રહેવું પડે.
સ્ટેશન પર સ્વચ્છતા અને પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા
સ્ટેશન સંકુલમાં પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે વોટર કૂલરોની નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમજ ભારે ભીડ વચ્ચે ગંદકી ન ફેલાય તે માટે મોટી સંખ્યામાં સફાઈ કામદારોને તૈનાત કરવામાં આવ્યા છે. તહેવારોના આ દિવસોમાં મુસાફરોની આ મુશ્કેલીઓ વચ્ચે રેલવે અને સમાજસેવીઓની આ પહેલ રાહતરૂપ સાબિત થઈ રહી છે.




