Get The App

આગામી 3 માર્ચના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણીને લઈને લોકોમાં મત મતાંતર

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
આગામી 3 માર્ચના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણીને લઈને લોકોમાં મત મતાંતર 1 - image

Jamnagar News : 'છોટીકાશી' તરીકે પ્રખ્યાત જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ છે, પરંતુ ખગોળીય ઘટના અને પંચાંગના ગ્રહોની ચાલને કારણે ઉજવણીના દિવસોમાં મડાગાંઠ સર્જાઈ છે. આગામી ૩ માર્ચના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે આ વખતે હોળી અને ધૂળેટી વચ્ચે એક દિવસનો 'ધોકો' (ખાલી દિવસ) રહે છે.

તિથિઓનું ગણિત અને ગ્રહણનો વેધ

પંચાંગ અનુસાર, ફાગણ સુદ પૂનમની તિથિ 2 માર્ચે સાંજે 05.55 કલાકે શરુ થાય છે અને 3 માર્ચે સાંજે 05.06 કલાકે પૂર્ણ થાય છે. શાસ્ત્રોક્ત દૃષ્ટિએ હોળી પ્રગટાવવા માટે 2 માર્ચ, સોમવારના રોજ પૂનમની તિથિમાં પ્રદોષ કાળ મળતો હોવાથી જામનગરની વિરાટ હોળી સહિત મોટાભાગની હોળીઓ આ દિવસે સાંજે પ્રગટાવવામાં આવશે.

3 માર્ચે ચંદ્રગ્રહણ

બીજી તરફ ચંદ્રગ્રહણ 3 માર્ચે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12.00 વાગ્યાથી તેનો વેધ શરુ થશે. ધાર્મિક માન્યતા મુજબ વેધકાળમાં શુભ કાર્યો કે રંગોત્સવ વર્જિત માનવામાં આવે છે. જેના કારણે ધૂળેટી પણ એક દિવસ બાદ શરુ થશે. ગ્રહણના મોક્ષ બાદ એટલે કે 4 માર્ચ, બુધવારના રોજ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો : માફીથી નહીં ચાલે, કાવતરા પાછળ કોનો હાથ છે?, પુસ્તક વિવાદમાં કેન્દ્રના 'સોરી' પર સુપ્રીમ કોર્ટની ફટકાર

મંદિરોમાં ફૂલડોલ ઉત્સવ અને દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકાધીશ જગતમંદિર સહિતના મોટા મંદિરોમાં ગ્રહણના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે. ૩ માર્ચે પૂનમના દિવસે પરંપરાગત ફૂલડોલ ઉત્સવ ઉજવાશે, પરંતુ ગ્રહણને કારણે બપોરે 12 વાગ્યાથી દર્શન બંધ રહેશે. ગ્રહણ પૂર્ણ થયા બાદ સાંજે શુદ્ધિ અને ઉત્થાપન વિધિ બાદ જ ભક્તો દર્શન કરી શકશે.

લોક પરંપરા વિરુદ્ધ પંચાંગ

સામાન્ય રીતે હોળી પ્રગટાવ્યાના બીજા દિવસે જ લોકો ધૂળેટી રમતા હોય છે. વર્ષો જૂની આ પરંપરાને કારણે જામનગરમાં એક પક્ષ એવું પણ માને છે કે, જો 2 તારીખે હોળી પ્રગટે તો ૩ તારીખે જ ધૂળેટી ઉજવવી જોઈએ. જોકે, ૩ તારીખે મંગળવાર અને ગ્રહણનો સંયોગ હોવાથી ધર્મપ્રેમી જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. શાક માર્કેટ વિસ્તારની ભોઈ સમાજની ઐતિહાસિક હોળી 2 માર્ચે પ્રગટાવવાનું નક્કી થતાં હવે શહેરના અન્ય વિસ્તારો પણ તે જ રાહ પર ચાલે તેવી શક્યતા છે. આમ, 2 માર્ચે હોળી, ૩ માર્ચે પડતર દિવસ (ગ્રહણ) અને 4 માર્ચે રંગોત્સવ - એમ ત્રણ દિવસ સુધી હોળીનો માહોલ છવાયેલો રહેશે.