Gujarat

વડોદરામાં હોકીના ઉભરતા ખેલાડીઓ વધુ એક વખત ગ્રાઉન્ડ વગરના

By GS TEAM
18 Mar 20262 mins read
વડોદરામાં હોકીના ઉભરતા ખેલાડીઓ  વધુ એક વખત ગ્રાઉન્ડ વગરના

વડોદરાઃ હોકીને ભલે દેશની રાષ્ટ્રીય રમતનો દરજ્જો મળેલો હોય પણ ક્રિકેટના મુકાબલે હોકીના ખેલાડીઓને નહીંવત સુવિધાઓ મળે છે અને તેમાં પણ વડોદરામાં હોકીના ઉભરતા ખેલાડીઓની હાલત તો વધારે દયાજનક છે.એક તરફ ગુજરાતમાં ૨૦૩૦માં રમાનારી કોમનવેલ્થ ગેમ્સના આયોજનની તૈયારીઓ શરુ થઈ છે ત્યારે વડોદરામાં હોકીના ખેલાડીઓ પાસેથી હોકીનું મેદાન છીનવાઈ ગયું છે.ખેલાડીઓ મેદાન વગર પ્રેક્ટિસ ક્યાં કરશે તે સવાલ ઉભો થયો છે.

હોકી વડોદરાના સૂત્રોનું કહેવું છે કે, ૨૦૧૭ સુધી ખેલાડીઓ શહેરના કલાભવન મેદાન પર પ્રેક્ટિસ કરતા હતા.આ મેદાન રાજવી પરિવારની માલિકીનું હતું.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બાકી વેરા માટે આ મેદાનને સીલ માર્યું તે પછી આ મેદાન હોકી એસોસિએશન પાસેથી જતું રહ્યું હતું.ખેલાડીઓ પાસે મેદાન નહીં હોવાથી તે સમયે ભારે ઉહાપોહ થયો હતો.સાતેક વર્ષ પહેલા અકોટા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશને હોકી માટે મેદાનની ફાળવણી કરી હતી.જોકે હવે અહીંયા સ્વિમિંગ પુલ બનવાનો હોવાથી ખેલાડીઓ ફરી મેદાન વગરના થઈ ગયા છે. અલગ અલગ વયના ૧૦૦ કરતા વધારે ખેલાડીઓ પાસે અત્યારે તો નામ માત્રની જગ્યા પ્રેક્ટિસ માટે બચી છે.અહીંયા હોકીના પૂર્વ ખેલાડી નિઃશુલ્ક કોચિંગ આપે છે.

હોકી વડોદરા દ્વારા આ બાબતે આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનરને મળીને ખેલાડીઓ માટે કોઈ જગ્યા ફાળવવા પણ અપીલ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

વડોદરા ગુજરાતમાં હોકીનું જન્મ સ્થળ મનાય છે 

વડોદરામાં હોકીની રમતનો ઈતિહાસ જૂનો છે.મહારાજા સયાજીરાવ ગાયકવાડના કાર્યકાળમાં જે રમતોને પ્રોત્સાહન અપાયું હતું તેમાં હોકીનો પણ સમાવેશ થતો હતો.જેના પગલે હોકી માટે કલાભુવન મેદાન એસોસિએશનને આપવામાં આવ્યું હતું.દાયકાઓ સુધી અહીંયા ખેલાડીઓ તૈયાર થયા હતા.એવું પણ કહેવાય છે કે, ગુજરાતમાં હોકીની રમતનું જન્મસ્થળ વડોદરા છે અને આજે વડોદરાના હોકી ખેલાડીઓ મેદાન માટે ફાંફા મારે છે.

માંજલપુરના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં રમવાની મંજૂરી નથી 

સૂત્રોનું કહેવું છે કે, માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે હોકીની ટર્ફ છે પરંતુ ત્યાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે સંકળાયેલા ખેલાડીઓને જ રમવાની છૂટ છે.સ્થાનિક ખેલાડીઓને પહેલેથી ત્યાં રમવાની મંજૂરી અપાતી નથી.આ માટે પણ હોકી વડોદરા દ્વારા ૬ મહિના પહેલા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરાના હોકી પ્લેયરે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો

વડોદરાના હોકી પ્લેયર ગોવિંદરાવ સાવંતની ૧૯૬૦ની રોમ ઓલિમ્પિકની હોકી ટીમમાં પસંદગી થઈ હતી.હોકીની રમતમાં ભારતનો તે સમયે સુવર્ણ યુગ હતો.ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકની ફાઈનલ સુધી પહોંચી હતી અને સિલ્વર મેડલ જીતી હતી.ગોવિંદરાવ સાવંત વડોદરાના એક માત્ર એવા ખેલાડી છે જેમણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતેલો છે.

જોગિંગ ટ્રેક પર પ્રેક્ટિસ કરવી પડી હતી 

૨૦૧૭માં હોકીના ઉભરતા ખેલાડીઓ પાસેથી કલાભુવન મેદાન જતું રહ્યું હતું ત્યારે ખેલાડીઓ પાસે પ્રેક્ટિસ કરવાની કોઈ જગ્યા બચી નહોતી.જેના કારણે ખેલાડીઓએ શહેરની મધ્યમમાં આવેલા સિધ્ધનાથ તળાવની ફરતે બનાવેલા જોગિંગ ટ્રેક પર પ્રેક્ટિસ કરવાનો વારો આવ્યો હતો અને તેના કારણે  રમત પ્રેમીઓને આંચકો લાગ્યો હતો.એ પછી કોર્પોરેશને જગ્યા ફાળવી આપી હતી.