Gujarat

પાલનપુરમાં ગાડી ચાલક ઉપર ગોળીબાર કરાતા હોબાળો

By GS Team
19 Jun 20202 mins read
This article was originally published on 19 Jun 2020
પાલનપુરમાં ગાડી ચાલક ઉપર ગોળીબાર કરાતા હોબાળો

પાલનપુર, તા. 18 જૂન 2020, ગુરૂવાર

પાલનપુરના જનતાનગર વિસ્તારમાં પસાર થઈ રહેલા બે કાર ચાલકો વચ્ચે નજીવી બાબતે સર્જાયેલી તકરાર બાદ એક ઉશ્કેરાઈ ગયેલા શખસે ઈકો ગાડીના ચાલક ઉપર ગોળીબાર કર્યો હતો. જોકે તેનો હાથ પકડી લેવાતા ઈકો ગાડીના ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુના લોકોમાં દોડધામ મચી જતા હોબાળો સર્જાયો હતો. જ્યારે ઘટનાસ્થળે દોડી આવેલ પોલીસે ફાયરીંગ કરનાર યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુરમાં બુધવારની સાંજે હવામાં ફાયરીંગની ઘટના બની હતી. જેમાં ડીસાનો વેપારી અન્સાર અહેમદ ઈમ્તિયાઝ અહેમદ પઠાણ જે પોતાની ઈકો ગાડી લઈને પાલનપુરના જનતાનગર મસ્જિક પાસે પસાર થઈ રહ્યા હતા. દરમયાન તેમણે ઈકો ગાડીને બ્રેક મારતા પાછળ હુંડાઈ ગાડી લઈને આવી રહેલ પાલનપુર જનતાનગરનાસોયેબ સત્તારબાઈ મેમણ ઉશ્કેરાઈ ગયો હતો અને ઈકો ચાલક વેપારી સાથે તકરાર કરી હતી અને જનતાનગરના ઈમ્તિયાઝ સજીરભાઈ પટેલ નામના શખસને ફોન કરીને બોલાવતા તે રિવોલ્વર લઈ આવ્યો હતો અને સોયેબે રિવોલ્વર વડે વેપારી અન્સાર અહેમદ પર ફાયરીંગ કરવા જતા વેપારીએ હાથ પકડી લેતા હવામાં ફાયરીંગ થયું હતું. જોકે સમી સાંજે ફાયરીંગની ઘટનાથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને ફાયરીંગ કરનાર સોયેબ મેમણની અટકાયત કરી હતી અને બનાવ અંગે ફાયરીંગ કરનાર અને તેને મદદ કરનાર શખસ વિરુધ્ધ ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે.