Get The App

અડાલજ પાસે હિટ એન્ડ રન ઃ વાહનની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
અડાલજ પાસે હિટ એન્ડ રન ઃ વાહનની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત 1 - image

અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર વધુ એક ગંભીર અકસ્માત

સંબંધીની ખબર જોઈને પરત જતા સમયે અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર ઃ બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર અડાલજ બટરફ્લાય બ્રિજ નીચે ગઈકાલે રાત્રે બાઈક ઉપર પસાર થઈ રહેલા દંપતીને હડફેટે લઈ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જે અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે દંપતિનું સ્થળ ઉપર જ મોત થયું હતું. હાલ અડાલજ પોલીસે ગુનો દાખલ કરી ફરાર વાહન ચાલકને પકડવા મથામણ શરૃ કરી છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે શહેર નજીક અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર અડાલજના બટરફ્લાયબ બ્રિજ પાસે ગઈકાલે રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જે અંગે મળતી વિગતો પ્રમાણે અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં રહેતા જયેશભાઇ હરીશભાઇ શ્રીમાળી અને તેમના પત્ની શિલ્પાબેન તેમજ તેમના મોટાભાઈ વિજયભાઈ અને તેમની પત્ની અલગ અલગ બાઈક ઉપર પોતાના સંબંધીના ખબર-અંતર પૂછવા કલોલ ગયા હતા. રાત્રિના સમયે જ્યારે તેઓ પોતાના બાઈક પર અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે વિજયભાઇ શ્રીમાળી અને તેમના પત્ની પાછળ આવી રહ્યાં હતા, જ્યારે જયેશભાઇ અને શિલ્પાબેન બાઈક પર આગળ ચાલી રહ્યા હતા. અડાલજના બટરફ્લાય બ્રિજ પાસે જયેશભાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે વાહન હંકારી જયેશભાઇના બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે દંપતી રોડ પર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને બંનેનું ઘટનાસ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ભાગી છૂટયો હતો. બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક દંપતીના બે માસૂમ દીકરાઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.