હીરાસર એરપોર્ટ 4 મહિના વહેલું બનાવી નખાશે, ઓગષ્ટમાં લોકાર્પણ

આઝાદીનાં 75મા વર્ષે લોકાર્પણ માટેનાં પ્રાજેક્ટ્સમાં પસંદગી : લોકાર્પણ મોટેભાગે વડાપ્રધાનનાં હસ્તે જ : હાલ જર્મન ડોમ જેવું ટેમ્પરરી ટર્મિનલ ઊભું કરાશે : રાતોરાત કામકાજ ઝડપી બનાવાયું
રાજકોટ, : રાજકોટનાં બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકી ગુજરાતની પહેલી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) કાર્યરત થતાં હજુ એક- દોઢ વર્ષની વાર લાગે તેમ છે ત્યારે બીજા પ્રોજેક્ટ એવા હીરાસર ઈન્ટર નેશનલ એરપોર્ટનું લોકાર્પણ રાષ્ટ્રની આઝાદીના 75મા વર્ષે જ કરી દઈ શકાય એ માટે એરપોર્ટનું કામ નિર્ધારિત સમય કરતાં ચાર મહિના વહેલું આટોપી લેવાનાં આદેશ છૂટયા છે. 2022નાં ઓગષ્ટ માસમાં મોટેભાગે વડાપ્રધાનનાં હસ્તે જ ઉદ્ધાટન કરાવવા તજવીજ શરૂ થઈ ગઈ છે.
રાજકોટ- અમદાવાદ હાઈ- વે પર 1000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આકાર લઈ રહેલા આ એરપોર્ટનાં રન- વેનું કામ હજુ 65 ટકા જેટલું પાર પડયું છે, બોક્સ કલવર્ટ મુજબનું કામ પૂર્ણ થવું બાકી છે અને ટર્મિનલ બિલ્ડિંગ બનાવવાનું તો એક- દોઢ મહિના પહેલાં જ શરૂ થયું હોવાથી માત્ર બે- ત્રણ ટકા કામ જ થયું છે એવામાં ડેડલાઈન વહેલી કરી દેવામાં અવ્યાનું વિશ્વસ્ત સૂત્રોમાંથી જાણવા મળ્યું છેે.
અત્યાર સુધીની ધારણા એવી હતી કે રન- વેનું કામ પૂર્ણ થયે ઓગષ્ટ- 2022માં ટ્રાયલ લેન્ડિંગ અને ટેઈક- ઓફ કરાવવું, ડિસેમ્બર- 2022માં સમગ્ર પ્રોજેક્ટ પૂરો કરી દેવો અને માર્ચ- 2023માં એરપોર્ટ કાર્યરત કરી દેવું. પરંતુ હવે, કેન્દ્ર સરકારે આઝાદીનાં 75મા વર્ષે જ આ એરપોર્ટનું લોકાર્પણ કરી દેવાનુ નક્કી કરીને ડિસેમ્બર- 2022ને બદલે ઓગષ્ટ- 2022સુધીમાં કામ નિપટાવી લેવા જણાવ્યું છે. સંબંધિત તંત્ર હવે આઠ- નવ મહિના જ હાથ પર હોવાનું માનીને આગળ વધી રહ્યું હોવાનાં નિર્દેશ મળી રહ્યા છે.
હીરાસર ખાતે સાવ વેરાન જમીન પર પાયેથી જ સંપૂર્ણ નવું (ગ્રીનફિલ્ડ) એરપોર્ટ બનાવવાનું હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માટે શરૂઆતથી જ નાનાં- મોટા અનેક પડકારો આવતા રહ્યા છે. હજુ હીરાસર ગામનું પુનઃ સ્થાપન પૂરેપૂરૂં પાર પડયું નથી, ડોસલીઘૂના આસપાસ કેટલીક જમીનની લેવડ- દેવડ અટવાયેલી છે, જે પછી એરપોર્ટને હાઈ- વે સાથે જોડતો ફ્લાયઓવર સહિતનો એપ્રોચ રોડ પણ બનવાનો છે. આ તમામ કામમાં હવે ઝડપ લાવવી પડશે. સુત્રોએ ઉમેર્યું કે ટર્મિનલ બિલ્ડિંગ બનવાને વાર લાગે તેમ છે એટલે હાલ જર્મન ડોમ જેવું કામચલાઉ ટર્મિનલ બનાવી નખાશે. હાઈ- વે ઓથોરિટી ટૂંક સમયમાં જ સર્વિસ રોડ બનાવવાનું શરૂ કરી દેશે, જ્યારે એપ્રોચ રોડ બનાવી નાખવા એરપોર્ટ ઓથોરિટીને સૂચના અપાઈ છે. અગાઉ ઓગષ્ટ- 2022માં રન- વેની ટ્રાયલ લેવાવાની હતી પરંતુ હવે નક્કી થયા મુજબ, એ પહેલાં જ પ્લેન લોન્ચ કરાવડાવી દેવાશે કેમ કે હવે બોક્સ કલવર્ટને લગતું 400 મીટર સહિત રન- વેનું કુલ 500 મીટર જેટલું જ કામ બાકી છે.




