Get The App

હિંમતનગર હાઈવે પર કાળમુખો અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
હિંમતનગર હાઈવે પર કાળમુખો અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત 1 - image


Himatnagar Highway Accident: સાબરકાંઠા જિલ્લામાં આજે સવારના સમયે મોતના તાંડવ જેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હિંમતનગર નજીક જસવંતગઢ પાટિયા પાસે એક પુરપાટ ઝડપે આવતી ખાનગી બસે કારને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ભીષણ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.

સવારે ગુંજી મોતની ચીચીયારીઓ

શામળાજીથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઈવે પર આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટક્કર એટલી પ્રચંડ હતી કે, કારનો પાછળનો અને ઉપરનો ભાગ સાવ દબાઈ ગયો હતો. કારમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર જ ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં અન્ય 6 લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી કારને પાછળના ભાગેથી જોરદાર ટક્કર મારી હતી. હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.

પોલીસ અને તંત્ર દોડતું થયું

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હાલ પોલીસે મૃતકોના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાઈવે પર સતત વધતા અકસ્માતોએ ફરી એકવાર વાહન ચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.