Get The App

દેશમાં સર્વાધિક તાપ રાજકોટમાં, ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજુ

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
દેશમાં સર્વાધિક તાપ રાજકોટમાં, ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજુ 1 - image

- અસામાન્ય અગનવર્ષાઃ સામાન્યથી 4-5 સે.ઉંચુ તાપમાન 

- આજે રાજકોટ,જામનગર,અમદાવાદ, મોરબી, કચ્છ,સુરેન્દ્રનગર, સુરત, વડોદરા,જુનાગઢ સહિત રાજ્યભરમાં ઉષ્ણલહરની ચેતવણી 

રાજકોટ: ગુજરાતમાં વસંત ઋતુમાં,માર્ચ માસમાં  જ ચૈત્ર-વૈશાખ જેવી બળબળતી લૂ વર્ષા સાથે અસામાન્ય ગરમી શરુ થઈ છે. રાજકોટમાં ગઈકાલે સમગ્ર દેશમાં સૌથી ઉંચુ મહત્તમ તાપમાન ૪૧.૬ સે. નોંધાયું હતું અને આજે તેનાથી પણ ગરમી વધીને ૪૨ સે. નોંધાઈ છે તો રાજ્યના અમદાવાદ,રાજકોટ,જામનગર સહિત શહેરોમાં સિવિયર હીટવેવ તથા મોટાભાગના શહેરો જેમાં દરિયાકાંઠા નજીકના સ્થળો પણ સમાવિષ્ટ છે તેમાં હીટવેવ ફરી વળ્યો હતો. આશ્ચર્યજનક રીતે દિવમાં રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ છે.

આ માસમાં બપોરનું મહત્તમ તાપમાન ૧૯૯૧થી ૨૦૨૦ના સરેરાશ મૂજબ સામાન્ય રીતે (૧) રાજકોટમાં ૩૬.૦ સે. રહે છે તે સામે આજે ૪૨ સે. (૨) અમદાવાદમાં માર્ચનું સરેરાશ નોર્મલ ૩૫.૬ સે. સામે આજે ૪૧.૪ (૩) સુરતમાં નોર્મલ ૩૬.૬ સે. સામે ૪૦.૨ સે. નોંધાયેલ છે. (૪) વડોદરામાં હાલ ૩૫ સે.નોર્મલ કહેવાય તે સામે આજે ૪૧ સે. આમ આ ચાર મહાનગરોમાં  નોર્મલ કરતા ૪થી ૬ સે. ઉંચુ તાપમાન આજે નોંધાયું છે અને ગત ચાર-પાંચ દિવસથી સતત ઉંચુ રહે છે. હજુ તા.૧૧ માર્ચ સુધી રાજ્યમાં તાપમાન નોર્મલથી ૪-૬ સે.ઉંચુ રહેવાની આગાહી છે. બાદમાં આંશિક ઘટાડો થઈ શકે છે. 

રાજ્યમાં અતિશય ઉષ્ણલહર ફરી વળ્યા બાદ આવતીકાલે પણ રાજકોટ, મોરબી, જામનગર, કચ્છ તથા પાટણ, બનાસકાંઠા, અમદાવાદ સહિત સ્થળે સિવિયર હીટવેવનું ઓરેન્જ એલર્ટ તેમજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોંમનાથ, બોટાદ જિલ્લા તેમજ દિવ પ્રદેશમાં હીટવેવનું યલો એલર્ટ જારી કરાયું છે. ગુરુવાર તા.૧૨ માર્ચે પણ રાજકોટ,મોરબી,અમરેલી, કચ્છ, સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની ચેતવણી છે અને આ સાથે છૂટાછવાયા સ્થળે અકળાવી દેતી ગરમીનું એલર્ટ પણ જારી છે. 

- રાજ્યમાં ઉનાળો વધુને વધુ અસહ્ય બની રહ્યો છે વૃક્ષો-જળાશયોને બદલે શહેરોમાં કરોડોના બાંધકામોમાં જ રસકશ 

રાજકોટ: વિકાસના નામ ઉપર રાજ્યમાં તોતિંગ ખર્ચે સીમેન્ટ કોંક્રિટના બાંધકામો અને બ્રિજમાં ઉંડો રસકશ લેવાતો રહ્યો છે પરંતુ, ગરમીને નિયંત્રીત કરી શીતળ છાંયડો આપવા સાથે શહેરોને રહેવાલાયક બનાવે તેવા જળસ્ત્રોત અને વૃક્ષોના વિકાસમાં રસ નથી લેવાયો અને જ્યાં વૃક્ષારોપણ થયુ તે પણ શહેરના મુખ્યમાર્ગોને બદલે છેવાડાના વિસ્તારોમાં થયું છે. બીજી તરફ, ગ્રીનહાઉસ ગેસ ઈફેક્ટ અને ક્લાઈમેટ ચેન્જના પગલે ગુજરાતમાં ઉનાળો દિનપ્રતિદિન વધુને વધુ આકરો,અસહ્ય બનવાના એંધાણ છે.