Gujarat

પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા તાલુકાથી લઈને રાષ્ટ્રીય સ્તરે આંદોલનના કરાશે મંડાણ

By GS Team
27 Nov 20192 mins read
This article was originally published on 27 Nov 2019
પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા તાલુકાથી લઈને રાષ્ટ્રીય સ્તરે આંદોલનના કરાશે મંડાણ

ધોલેરા, 27 નંવેમ્બર 2019 બુધવાર

જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા સહિતના મહત્વપૂર્ણ પ્રશ્નો પરત્વે સરકારના ઉદાસીન વલણના કારણે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા સ્તરેથી લઈ રાષ્ટ્રીય લેવલ સુધી આંદોલનની રૂપરેખા તૈયાર કરાઈ  છે. આ આંદોલનો તા.૨૩ નવેમ્બરથી શરૂ કરીને ૨૭ ફેબુ્રઆરી સુધી ૨૦૨૦ સુધી ચાલશે. તેમજ રાષ્ટ્રીય સ્તરે દિલ્હી ખાતે સંસદ ભવન સામે એક અઠવાડિયા સુધી ક્રમિક ઉપવાસ કરવામાં આવશે.

જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરવા સહિતની માંગણીઓ પ્રત્યે સરકારના ઉદાસીન વલણ સામે રોષ

 છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમાં પગારપંચની સંપૂર્ણ અમલવારી તા.૧.૧.૨૦૧૬ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકો માટે સમાન રૂપે ચાલુ કરવી, દેશના બધા રાજયોના ફિકસ પા.શિક્ષકો, પેરા ટીચર્સ, શિક્ષક સહાયક, વિદ્યાસહાયક, નિયોજીત શિક્ષકોને ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા એકસરખુ વેતન આપવામાં આવે,નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં  શિક્ષકને હાનીકર્તા બાબતો દૂર કરવી, શિક્ષકની લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષક કોર્સ માટેની પરીક્ષા પહેલા પૂર્વ આયોજન થાય તેમ કરવુ તેમજ ઉચ્ચતર પગારધોરણ સી.સી.સી.પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખથી આપવા બાબત તથા તા.૩૦.૬ પછી મુદત વધારવા તેમજ  પ્રથમ ઉચ્ચતર પગારધોરણ રૂા  ૪૨૦૦ ગ્રેડ પે ચાલુ રાખવા સહિતની માંગણીઓ પ્રત્યે તંત્રવાહકોની ઉદાસીનતાના વિરોધમાં સમગ્ર ગુજરાત રાજયમાં નવેમ્બર માસથી આગામી ફેબુ્રઆરી સુધી પ્રથમ તાલુકા,જિલ્લા, રાજય અને બાદમાં રાષ્ટ્રીય લેવલે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચિમકી ઉચ્ચારાઈ હતી.

પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વર્ષ ૨૦૦૬ થી જુની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરે આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજયોના શિક્ષકોની સાથે દિલ્હીમાં જંતર મંતર ખાતે એક દિવસના ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. એટલુ જ નહિ સંઘ દ્વારા જે તે વખતે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ સંશાધન વિકાસ મંત્રી વ.ને પણ આવેદનપત્ર પણ સુપ્રત કરી જણાવાયુ હતુ કે, ઉપરોકત પ્રશ્ને કોઈ કાર્યવાહી નહિ થાય તો તમામ રાજયોના શિક્ષકો દ્વારા ફરીથી આંદોલન પ્રદર્શન કરાશે. જેમાં તા.૨૩ થી ૩૦ નવેમ્બર સુધી તાલુકા કક્ષાએ ૧૦૦ થી વધુ શિક્ષકો દ્વારા, જિલ્લા કક્ષાએ તા.૧૪ થી ૨૧ ડીસેમ્બર સુધી ૫૦૦ થી વધુ શિક્ષકો દ્વારા, રાજય લેવલે તા. ૧૭ થી ૨૨ જાન્યુઆરી સુધી તેમજ રાષ્ટ્રીય લેવલે તા.૨૧ થી ૨૭ ફેબુ્રઆરી સુધી શિક્ષકો દ્વારા આંદોલન કરાશે.