Gujarat

ધ્રાંગધ્રામાં વોર્ડ નં.૦૩માં ગટરની સફાઈના અભાવે નર્કાગાર જેવી સ્થિતિ

By GS TEAM
11 Nov 20251 min read
ધ્રાંગધ્રામાં વોર્ડ નં.૦૩માં ગટરની સફાઈના અભાવે નર્કાગાર જેવી સ્થિતિ

- તંત્રને રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા રહીશોમાં રોષ

- ભૂગર્ભ ગટરની સફાઇના અભાવે ગટરનું દૂષિત પાણી રસ્તા પર રેલાતા રોગચાળો ફેલાવવાની ભીતિ

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરના નગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર ૦૩માં ભૂગર્ભ ગટરની યોગ્ય સફાઈના અભાવે ગટરનું દૂષિત પાણી સોસાયટીના જાહેર માર્ગ પર ફેલાતા તેમજ સ્થાનિકોના ગટરના ગંદા પાણીને લીધે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભૂગર્ભ ગટરની દેખરેખ અને સફાઈ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા નગરપાલિકામાંથી મહિને બીલ દ્વારા લાખો રૂપિયાની રકમ લીધા બાદ પણ ભૂગર્ભ ગટરની સફાઈ નિયમિત નહીં થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેને લઈને પાલિકાના વોર્ડ નંબર ૦૩ માં ઠેર ઠેર ભુગર્ભ ગટરના ઢાંકણા તુટી ગયા છે તેમજ આ વોર્ડમાં આવેલ રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં ભૂગર્ભ ગટરની સફાઈના અભાવે ગટરના ગંદા પાણી સોસાયટીના મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિક રહીશો અને મહિલાઓને હાલાકી પડી રહી છે. અનેક વખત ભુગર્ભ ગટરની સફાઈ બાબતે તંત્રને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાકટર દ્વારા તંત્રની સૂચનાનું પણ પાલન કરવામાં આવતું નથી. આથી નગરપાલિકા તંત્ર દ્વારા જવાબદાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.