Gujarat

હળવદમાં ભારે બફારા બાદ વીજળીના કડાકા સાથે વરસાદ

By GS TEAM
6 Oct 20251 min read
હળવદમાં ભારે બફારા બાદ વીજળીના કડાકા સાથે વરસાદ

- સાંજે વરસાદની પધરામણીથી ઠંડક પ્રસરી

- કપાસ- મગફળી જેવા પાકોને નુકસાન જવાનો ભયથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

હળવદ : હળવદ શહેરમાં રવિવારે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કપાસ- મગફળી જેવા પાકોને નુકસાન જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે બપોરના ભારે બફારા બાદ સાંજના સમયે ગાજવીજ, પવનના સુસ્વાટા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. નૈત્યનું ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે. ત્યારે વરસાદના આ અંતિમ રાઉન્ડથી વતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જતા ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી હતી. 

વરસાદ પડવાથી ખેડૂતોમાં શિયાળુ પાકની વાવણીની તૈયારીઓ વચ્ચે પાકને નુકસાન થવાની ચિંતા પણ વધી છે. સાથે કપાસ અને મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી છે.