કાળઝાળ ગરમી: અમદાવાદમાં આજે 'ઑરેન્જ ઍલર્ટ', રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Heatwave Alert in Gujarat: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં હીટ વેવની આગાહી પણ જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં આજે (10મી માર્ચ) ગરમીને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 11મી માર્ચના રોજ યલો ઍલર્ટ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
આ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની આગાહી
મળતી માહિતી અનુસાર અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ગાંધીનગરમાં પણ ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જેવા જિલ્લામાં યલો ઍલર્ટની ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 7 ડિગ્રી વધુ છે. આ સાથે જ 10થી 13 માર્ચ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, '10મી અને 11મી માર્ચના રોજ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ગંભીર હીટ વેવની સ્થિતિ રહેશે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનની આ સ્થિતિ યથાવત્ રહેશે અને કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. હાલમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફની છે.'









