Get The App

હીટવેવ એક્શન પ્લાન : શહેરના જાહેર બગીચાઓ રાત્રે 11 સુધી ખુલ્લા રખાશે

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
હીટવેવ એક્શન પ્લાન : શહેરના જાહેર બગીચાઓ રાત્રે 11 સુધી ખુલ્લા રખાશે 1 - image

- ઉનાળામાં વધતા તાપમાન અને હીટવેવની શક્યતાઓને ધ્યાનમાં રાખી

- તીવ્ર ગરમીમાં શાળાના બાળકો માટે આઉટડોર પ્રવૃત્તિઓ ટાળવાની રહેશે, જાહેર સ્થળોએ વોટર પોઈન્ટ અને શેડ ઉભા કરાશે

ભાવનગર : ઉનાળામાં વધતા તાપમાન અને હીટવેવની શક્યતાઓને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા હીટવેવ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં હીટવેવ એક્શન પ્લાન અંતર્ગત કરવાની થતી કામગીરી માટેની મળેલી બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા છે. આ બેઠકમાં ટેકનિકલ વિભાગોને હીટવેવ દરમિયાન કામ કરતા સ્ટાફ અને કોન્ટ્રાક્ટરોને બપોરે ૧થી ૪ સુધી પૂરતો આરામ મળી રહે તેની વ્યવસ્થા કરવા જણાવાયું છે. શહેરના જાહેર બગીચાઓ સવારે ૬થી રાત્રે ૧૧ સુધી ખુલ્લા રાખવા, ગાર્ડન, ડિવાઈડર ખાતે આવેલા વૃક્ષો અને છોડને સમયસર પાણી મળે રહે તેની ગાર્ડન વિભાગે વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ડ્રેનેજ વિભાગને કચરાનો નિયમિત નિકાલ, સફાઈ વ્યવસ્થા જળવાઈ, કચરો સળગાવવાના બનાવો અટકાવવા, સફાઈ કામદારોને તીવ્ર ગરમીના સમયમાં જરૂરી આરામ અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા જણાવાયું છે. તેમજ બિલ્ડિંગ અને વોટર વર્ક્સ વિભાગને સંકલનથી શહેરના જાહેર સ્થળોએ વોટર પોઈન્ટ, શેડ ઉભા કરવા, મુખ્ય રસ્તા, બસ સ્ટેન્ડ, ભીડભાડવાળા વિસ્તારોમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા, ઓઆરએસ કોર્નર શરૂ કરવા આદેશ કરાયો છે.

ન.પ્રા. શિક્ષણ સમિતિને તમામ સરકારી-ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને હીટવેવથી બચવા માર્ગદર્શન આપી પીવાનું પાણી પૂરતું ઉપલબ્ધ રાખવા, તીવ્ર ગરમીમાં આઉટડોર પ્રવૃત્તિઓ ટાળવા, જરૂરિયાત મુજબ શાળા સમય બદલવા અંગે પણ વિચારણા કરવા સૂચન કરાયું છે. આરોગ્ય વિભાગને હીટસ્ટ્રોકના સંભવિત કેસ માટે જરૂરી દવાઓ, ઓઆરએસ પેકેટ, મેડિકલ સ્ટાફ તૈયાર રાખવા, જાગૃતિ અભિયાન ચલાવવા, હીટસ્ટ્રોકના કેસોની દૈનિક મોનિટરીંગ-રિપોર્ટીંગ વ્યવસ્થા રાખવા તેમજ ટી.પી. અને ટી.ડી. વિભાગને વિકાસ કામો દરમિયાન કામદારો માટે પીવાના પાણી, આરામની વ્યવસ્થા, બિલ્ડર એસો. અને સબંધિત સંસ્થાઓ સાથે સંકલન કરી બપોરે ૧થી ૪ દરમિયાન કામગીરી ટાળવાની સૂચના આપવા અને ફિલ્ડર વિભાગને જરૂરિયાત પ્રમાણે પાણીના ટેન્કર ઉપલબ્ધ રાખવા, પશુત્રાસ નિયંત્રણ વિભાગને ઢોર ડબ્બામાં પશુઓને હીટવેવથી બચાવવા સ્પ્રિંકલર, ગ્રીન નેટ લગાવવા જણાવાયું છે. નાગરિકોને પણ તીવ્ર ગરમીમાં અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને આરોગ્ય અંગે જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરાયો છે.