Gujarat

કોટવિસ્તારમાં જોખમાતુ લોકોનું આરોગ્ય,ચાંદી ગાળવાની ભઠ્ઠીઓમાં વપરાતા જલદ કેમિકલના કારણે આર.સી.સી.રોડ પર અસર

By GS Team
5 Mar 20222 mins read
This article was originally published on 5 Mar 2022
કોટવિસ્તારમાં જોખમાતુ લોકોનું આરોગ્ય,ચાંદી ગાળવાની ભઠ્ઠીઓમાં વપરાતા જલદ કેમિકલના કારણે આર.સી.સી.રોડ પર અસર

 અમદાવાદ,શુક્રવાર,4 માર્ચ,2022

અમદાવાદના કોટ વિસ્તારમાં ચાલી રહેલી ચાંદી ગાળવાની ભઠ્ઠીઓના કારણે કોટ વિસ્તારમાં રહેતા લોકોના જાહેર આરોગ્ય ઉપર સતત જોખમ વધી રહ્યુ છે.આ ભઠ્ઠીઓમાં વપરાતા જલદ કેમિકલના કારણે આર.સી.સી.રોડ ઉપર પણ અસર થઈ રહી છે.આમ છતાં મ્યુનિ.ના હેલ્થ વિભાગ તરફથી આ ભઠ્ઠીઓ બંધ કરાવવાને બદલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

શહેરના કોટ વિસ્તારમાં આવેલી રતનપોળ અને અન્ય પોળોમાં ઘણા વર્ષોથી ચાંદી અને સોનુ ભઠ્ઠીઓની મદદથી ગાળવામાં આવી રહ્યુ છે.આ કામગીરીને લઈ કોટવિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થય ઉપર તેની ગંભીર અસર પડી રહી છે.રહીશોની આંખોમાં બળતરા થવા ઉપરાંત શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.કોટ વિસ્તારમાં મ્યુનિ.ના હેલ્થ વિભાગની રહેમનજર હેઠળ ચાલતી આ ભઠ્ઠીઓમાં વપરાતા જલદ કેમિકલને લઈ હવે તો આર.સી.રોડ ઉપર પણ અસર થવા પામી છે.જલદ કેમિકલનો ભઠ્ઠીઓમાં વપરાશ થતો હોવાથી આર.સી.સી.રોડ પીળા કલરના બનાવાયા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.

આ તમામ કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગની નજર સામે જ કરવામાં આવી રહી હોવા છતાં હેલ્થ વિભાગ તરફથી ભઠ્ઠીઓ દ્વારા ગેરકાયદે રીતે ગાળવામાં આવતા સોના કે ચાંદીના જથ્થાથી આસપાસના રહીશોને થતી ગંભીર અસરોને લઈ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.મ્યુનિ.માં એક સમયે ડોકટર પી.કે.મકવાણા મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ તરીકે ફરજ બજાવતા હતા એ સમયે શહેરના કોટ વિસ્તારમાં આવેલી રતનપોળ,વાઘણપોળ આસપાસમાં ચલાવાઈ રહેલી સોના-ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.બાદમાં આવેલા મ્યુનિ.ના એક પણ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા આ ભઠ્ઠીઓ બંધ થાય અને આસપાસના રહીશોના જાહેર આરોગ્ય ઉપર તેની ગંભીર અસર થતી બંધ થાય એ માટે કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવતી જ નથી.

નોટિસ આપી ખુલાસો મંગાવામાં આવ્યો છે

કોટ વિસ્તારમાં આવેલી ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ દ્વારા વપરાશમાં લેવામાં આવતા જલદ કેમિકલને લઈ આર.સી.સી.રોડ સુધી અસર થતા મ્યુનિ.તંત્ર સફાળુ દોડતુ થયુ છે.તંત્રના કહેવા પ્રમાણે,આ પ્રકારે કેમિકલ નાંખનારાઓને નોટિસ આપવામાં આવી છે.નોટિસનો ખુલાસો મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.