VIDEO: સુરતમાં 2013માં હર્ષ સંઘવીએ પોલીસ ઈન્સ્પેક્ટરને જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Harsh Sanghavi Controversy : પોલીસના પટ્ટા ઉતરી જશે તેવા જિજ્ઞેશ મેવાણીના નિવેદનનો વિરોધ કરીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ફસાઈ ગયા છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એવો આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્યોને સંસ્કાર શીખવનારા નાયબ મુખ્યમંત્રીએ વર્ષ 2013માં સુરતમાં પોલીસ ઇન્સ્પેક્ટરને જાહેરમાં લાફા મારી અપશબ્દો કહ્યા હતાં. એટલું જ નહીં, વર્ષ 2019માં પણ સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટાફના માણસના ટાંટિયા તોડી નાંખવા ધમકી આપી હતી.
ઉંમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં PI-PSIની બદલી કરાઇ હતી: ઇટાલિયા
દારૂબંધીના મુદ્દે વિવાદ જામ્યો છે ત્યારે આપે પણ ઝૂકાવ્યું છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પુરાવા રજૂ કરતાં કહ્યુંકે, વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી વખતે ભાજપે વડાપ્રધાનના ચહેરા તરીકે નરેન્દ્ર મોદીને જાહેર કર્યાં હતાં ત્યારે ધારાસભ્ય હર્ષ સંઘવી તથા તેમના સમર્થકોએ જાહેર માર્ગ પર મંજૂરી વિના ફટાકડાં ફોડયાં હતાં. તે વખતે ટ્રાફિક જામ થતાં કોઇકે 100 નંબર પર ફોન કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે રકઝક થતાં હર્ષ સંઘવીએ પોલીસ ઇન્સ્પેક્ટરને ચાર પાંચ લાફા ફટકારી દીધાં હતાં.
આ મામલે ઉમરાં પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ કિસ્સામાં રાજકીય વગને લીધે પીએસઆઇ-પીઆઇની બદલી સુઘ્ધાં કરાઇ હતી. આ ઉપરાંત વર્ષ 2019માં સુરતમાં નવી સિવિલમાં હર્ષ સંઘવીએ સ્ટાફના માણસને ધમકી આપી હતી કે, મારી સામે સ્માર્ટ બનીશ નહી, નહીતર ટાંટિયા તોડીને હાથમાં આપી દઇશ. આમ, મેવાણી સામે નિવેદનબાજી કરી નાયબ મુખ્યમંત્રી પણ ભરાઈ ગયા છે.









