Gujarat

સિવિલમાં બ્રેઇનડેડ દર્દીના બંને હાથનું દાન : બે વર્ષમાં ચોથી ઘટના

By GS Team
13 Feb 20222 mins read
This article was originally published on 13 Feb 2022
સિવિલમાં બ્રેઇનડેડ દર્દીના બંને હાથનું દાન : બે વર્ષમાં ચોથી ઘટના

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં અંગદાન કરવા અંગેની પ્રવૃત્તિએ વેગ પકડયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ અંગદાતાઓની સંખ્યા ૩૭ થઇ ગઇ છે અને જેના થકી ૯૭ જરૃરિયાતમંદોને નવજીવન મળ્યું છે. આ પૈકી છેલ્લા ૩ દિવસમાં થયેલા ૩ અંગદાનથી એક બ્રેઇનડેડ દર્દીના હાથનું દાન મળ્યું છે. કોરોનાકાળમાં સમગ્ર દેશમાં બંને હાથનું દાન મળ્યાના ચાર કિસ્સા જોવા મળ્યા છે અને આ ચારેય અંગદાતા ગુજરાતના જ છે.

અત્યારસુધી સમગ્ર દેશમાં બંને હાથોના અંગોનું દાન મેળવ્યાના ૨૧ કિસ્સા નોંધાયા છે જ્યારે વૈશ્વિક સ્તરે આ આંક અંદાજે ૨૦૦ છે. શરીરમાં રહેલા અંગોની સાથે બાહ્ય અંગોનું દાન આપવામાં પણ ગુજરાતીઓ સમગ્ર દેશમાં મોખરે છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૩ દિવસમાં અંગદાનની ૩ પ્રેરણાત્મક ઘટના જોવા મળી છે. જેમાં ગાંધીનગરમાં રહેતા ૩૦ વર્ષીય અજય દરજી માર્ગ અકસ્માતમાં ઘાયલ થતા ૭  ફેબુ્રઆરીએ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. જ્યાં સારવાર દરમિયાન તેઓ બ્રેઇન ડેડ થતાં પરિવારજનોએ તમામ અંગોના દાનનો નિર્ણય કર્યો હતો. પરંતુ અન્ય અંગો જરૃરી રીપોર્ટસ અને ટેસ્ટ પ્રમાણે બંધ ન બેસતા છેવટે તબીબો દ્વારા બંને હાથના દાન માટે પરિવારજનોને પ્રેરવામાં આવ્યા હતા. પરિવારજનોએ બંને હાથોના દાન માટેની પણ સંમતિ આપતા બ્રેઇનડેડ અજય દરજીના બંને હાથોનું દાન મળ્યું, જે મુંબઇના ૨૬ વર્ષીય યુવાનમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

અન્ય એક દર્દી મગનજી બજાણીયાને પણ કલોલ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. સ્થિતિ અગાઉથી જ અતિગંભીર હતી. મગનજી બજાણીયા બ્રેઇનડેડ થતા તેમના લીવર અને બંને કિડનીના અંગોનું દાન મળ્યું હતું.   ખેડાના ૧૯ વર્ષીય ભાવીન  પરમાર  માર્ગ અકસ્માતમાં બ્રેઇનડેડ થયા હતા. સિવિલ હોસ્પિટલની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન ની ટીમને તેમની બંને કિડની અને લીવર મેળવવામાં સફળતા મળી હતી.

આ તમામ કિસ્સા એવા છે કે જેમના પરિવારજનોએ પોતાનું સ્વજન બ્રેઇનડેડ થતા તેમના શરીરને પંચમહાભૂતમાં વિલીન થતા પહેલા તેમના અંગો થકી અન્યોને નવજીવન આપવાનું નક્કી કર્યું હતું. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડા. રાકેશ જોષીએ જણાવ્યું કે, 'સિવિલ હોસ્પિટલની સોટ્ટોની ટીમના અથાગ પરિશ્રમના પરિણામ સ્વરૃપ જ આજે છેલ્લા ત્રણ દિવસોમાં ત્રણ વ્યક્તિઓના અંગદાનમાં સફળતા મળી છે. સિવિલ હોસ્પિટલમાં કુલ અંગદાતાઓની સંખ્યા ૩૭ થઇ જવા પામી છે. જેના થકી ૧૧૩ અંગો મળ્યા છે અને ૯૭ જરૃરિયાતમંદોને નવજીવન મળ્યું છે. '

કૃત્રિમ હાથ સાથે મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવે છે

ગુજરાતમાં કોરોનાકાળમાં બ્રેઇનડેડ દર્દીના હાથના દાનની આ ચોથી ઘટના છે. ગાંધીનગરના બ્રેઇનડેડ યુવાનના હાથનું પ્રત્યાર્પણ મુંબઇના ૨૬ વર્ષીય યુવાનમાં કરાશે. જે બ્રેઇનડેડ દર્દીના બંને હાથોનું દાન મેળવવામાં આવે છે તે બ્રેઇનડેડ  દર્દીના પરિવારજનોને મૃત શરીરમાં આર્ટીફિશિયલ પ્રોસ્થેટિક લિંબ એટલે કે બંને હાથ લગાવીને શરીર સોંપવામાં આવે છે.