Get The App

રાજ્યભરમાં આજે GUJCETની પરીક્ષા: એક જ દિવસમાં 3 પેપર, દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી દેખરેખ

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
રાજ્યભરમાં આજે GUJCETની પરીક્ષા: એક જ દિવસમાં 3 પેપર, દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી દેખરેખ 1 - image

GUJCET Exam In Ahmedabad: રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની ‘ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ (GUJCET)ની પરીક્ષાનું આજે રવિવારે આયોજન કરાયું છે. આજે એક જ દિવસમાં અલગ અલગ સમયે ત્રણ પેપર લેવામાં આવી રહ્યા છે.  અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 18,106 વિદ્યાર્થીઓ 89 જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાને લઈ ચુસ્ત બંદોબસ્ત અને માર્ગદર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

કયા માધ્યમમાં કેટલા વિદ્યાર્થીઓ?

આંકડાકીય રીતે જોઈએ તો બંને વિસ્તારોમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે, જેમાં અમદાવાદ શહેરમાં 8,720 અને અમદાવાદ ગ્રામ્યમાં 3,146 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં શહેરમાં 2,512 અને ગ્રામ્યમાં 3,097 વિદ્યાર્થીઓ તેમજ હિન્દી માધ્યમમાં અનુક્રમે 522 અને 109 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ 89 બિલ્ડિંગોમાં સીસીટીવી કેમેરાની સતત દેખરેખ હેઠળ પારદર્શક રીતે પરીક્ષા લેવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

એક જ દિવસે ત્રણ પેપરનું આયોજન

આજે ગુજકેટની પરીક્ષા એક જ દિવસે ત્રણ તબક્કામાં લેવામાં આવી રહી છે. પ્રથમ પેપર સવારે 09:00 થી 12:00 અને બીજું પેપર બપોરે 01:40 થી 02:40 વાગ્યા સુધી લેવાયું હતું. હવે, ત્રીજું અને અંતિમ પેપર સાંજે 04:00 થી 05:00 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. વિદ્યાર્થીઓ હાલ છેલ્લા પેપરની તૈયારીમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ

ફૂલ આપી સ્વાગત, કંટ્રોલ રૂમ કાર્યરત

આજે વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ ઉમટી હતી. અનેક શાળાઓમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ફૂલ આપી અને મોઢું મીઠું કરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેથી તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે. વિદ્યાર્થીઓ અને વાલીઓની મદદ માટે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જ્યાં અધિકારીઓ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી પરીક્ષા સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સ્ક્વોડ અને નિરીક્ષકોની ટીમો સતત રાઉન્ડ પર છે.