Gujarat

'ગુજરાતની સિસ્ટમ જ સડેલી...', જવાહર ચાવડાએ પેપર લીક કાંડ મુદ્દે સરકારી તંત્રને ઝાટક્યું

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
જુનાગઢના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ પેપર લીક મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે વીડિયો બનાવીને ગુજરાતમાં પરીક્ષા કૌભાંડો અંગે 'સડેલી સિસ્ટમ' ગણાવી. પૂર્વ મંત્રીએ 18 જેટલી પરીક્ષામાં 51 લાખ વિદ્યાર્થીઓ અને 2 કરોડ પરિવારોની વેદનાનો ઉલ્લેખ કર્યો. ચાવડાએ સરકારને જવાબદારો સામે કાર્યવાહી કરવા અને વિદ્યાર્થીઓની વેદના સમજવા અપીલ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગુજરાતની સિસ્ટમ જ સડેલી...', જવાહર ચાવડાએ પેપર લીક કાંડ મુદ્દે સરકારી તંત્રને ઝાટક્યું

Jawahar Chavda News : જુનાગઢના માણાવદર જિલ્લાના પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસમાંથી ઈ.સ. 1990થી 2012 દરમિયાન ચાર ટર્મ જીતેલા અને 2019માં પક્ષપલટો કરી ભાજપમાં ભળીને પછી 2022ની પેટાચૂંટણી કોંગ્રેસ સામે હારી ગયા પછી ફરી ભાજપે જેમને ટિકિટ ન આપી તે જવાહર ચાવડાએ આજે પેપર લીક મુદ્દે પોતાનો વીડિયો બનાવીને શેર કરીને ગુજરાતમાં પેપર લીક કૌભાંડો અંગે સીસ્ટમને સડેલી કહીને સરકારના તંત્રને ઝાટક્યું છે.

ગુજરાતમાં રૂપાણી સરકારના પૂર્વ મંત્રીએ કહ્યું સરકારની આ સડેલી સિસ્ટમને સવાલ તો કરો, વિદ્યાર્થીઓને મળો તો તેમની વેદના સમજાય. પરીક્ષા કૌભાંડોની યાદી આપીને તેમણે કહ્યું કે તલાટી, ટેટ, બીએસઈઆર, મુખ્ય સેવિકા, નાયબ તહેસીલદાર, લોકરક્ષક દળ, ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, નીટ યુજી, પીજીવીસીએલ., ફોરેસ્ટ ગાર્ડ, ઊર્જા નિગમ સહિત 18 જેટલી પરીક્ષામાં 51 લાખ વિદ્યાર્થીઓ એટલે કે 2 કરોડ પરિવારઓની આવેદના છે.

ચાવડાએ કહ્યું- મને વિદ્યાર્થીઓએ કહ્યું કે અમારી જિંદગી બરબાદ કરી તે મજા કરી રહ્યા છે, એફ.આઈ.આર. કરી નહીં કે જેલમાં ગયા નહીં, કોઈ અમને કહેતું નથી કે આ જવાબદારો શું કરે છે. સરકારને કાંઈ કહેવું હોય તો અરજી કરવી પડે છે. જવાહર ચાવડાએ અગાઉ પણ મુખ્યમંત્રીને બેરોજગારી મુદ્દે સરકારને રજૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ભળીને મંત્રી બન્યા બાદ મંત્રી પદ છિનવાઈ ગયું તે રાઘવજી પટેલે પણ જામનગર પંથકમાં દુષ્કાળ અંગે સરકારને ઢંઢોળી હતી. તો મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મંત્રી બનેલા અને હાલ મંત્રીપદ વગરના જયેશ રાદડીયાએ સહકાર ક્ષેત્રે ભાજપની નેતાગીરીએ ધરાર આપેલા મેન્ડેટને ફગાવ્યો હતો. પદ મુક્તિ બાદ જાણે જુઠ સહેવાનું શિસ્ત છોડીને પક્ષપલટો કરનાર નેતાઓને હવે પ્રજાધર્મનું સ્મરણ થઈ રહ્યું છે.

મોઢવાડિયા, બાવળિયા પ્રજાના પ્રશ્ને હવે ક્યારે મોં ખોલશે?
એક સમયે સરકારની ખામીઓ સામે તીવ્ર પ્રહારો કરતા પોરબંદરના અર્જુન મોઢવાડિયા અને જસદણના કુંવરજી બાવળિયા હાલ ભાજપ સરકારમાં મંત્રી પદ ભોગવી રહ્યા છે અને પ્રજાના પ્રશ્ને બોલવાનું ટાળી રહ્યા છે. પરંતુ, આગામી વિધાનસભા-૨૦૨૭ ચૂંટણીમાં તેમને ટિકિટ નહીં મળે કે મંત્રી પદ નહીં રહે તો તેઓ પણ પ્રજાના પ્રશ્ને અવાજ ઉઠાવશે તેવી ચર્ચા લોકોમાં થવા લાગી છે.