Gujarat Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. રાજસ્થાન અને કચ્છ પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઈરાન તરફથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ અને 30થી 40 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વીજળીના કડાકા-ભડાકા જોવા મળી શકે છે. ખાસ કરીને 2 એપ્રિલથી વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના હોવાથી માવઠાનો આ રાઉન્ડ હજુ લાંબો ચાલી શકે છે.
કઈ તારીખે કયા જિલ્લામાં ઍલર્ટ?
1 એપ્રિલ
કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. આ સાથે વીજળી અને તેજ પવનની ચેતવણી પણ આપવામાં આવી છે.

2 એપ્રિલ
રાજ્યમાં મેઘરાજાનો વ્યાપ વધશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

3 એપ્રિલ
બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.

4 અને 5 એપ્રિલ
અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને નર્મદા જેવા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ત્યારબાદ 6 એપ્રિલથી રાજ્યમાં હવામાન ફરી સૂકું થવાની શક્યતા છે.
તાપમાનમાં ફેરફાર અને અમદાવાદની સ્થિતિ
તાપમાનની વાત કરીએ તો, આગામી 24 કલાકમાં તાપમાન સ્થિર રહેશે, પરંતુ ત્યારબાદના દિવસોમાં પારો 2થી 3 ડિગ્રી જેટલો નીચે જઈ શકે છે. ગઈકાલે મંગળવારે વલ્લભ વિદ્યાનગર 37.1 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં પણ આકાશ આંશિક વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે.
વહીવટી તંત્રની સૂચના અને સાવચેતી
હવામાનમાં આવતા આ ફેરફારને પગલે તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. 30થી 40 કિમીની ઝડપે ફૂંકાતા પવનને કારણે ઝાડ ઉખડી જવાની કે વીજ લાઇનો ખોરવાઈ જવાની શક્યતા રહેલી છે, જે ખેતીના પાકને પણ નુકસાન પહોંચાડી શકે છે. નાગરિકોને વીજળીના કડાકા વખતે ઘરમાં રહેવા, ઝાડ નીચે આશ્રય ન લેવા અને વીજળીના થાંભલા કે જળાશયોથી દૂર રહેવા ખાસ સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેતા! રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી
કમોસમી વરસાદની આ આગાહીને પગલે ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખુલ્લામાં રાખેલા અનાજને ઢાંકી દેવા સલાહ આપવામાં આવે છે. તેમજ ગાજવીજ વખતે ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેવા નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે.


